અમરેલીમાં નકલી લેટરકાંડ બાદ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં પાયલબેન ગોટી નામની દીકરી ઓફિસમાં નોકરી કરતી હોય તેને પણ ગુનેગાર બનાવાતા લોકોનો રોષ ભભૂકી ઉઠયો હતો અને જિલ્લાભરમાંથી વિવિધ સામાજીક આગેવાનોએ આ ઘટના અંગે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલનું ધ્યાન દોરતા દિનેશભાઈ બાંભણીયાની આગેવાની નીચે ટ્રસ્ટી મંડળની ટીમે ગુરૂવારે જિલ્લાની મુલાકાત લઈ દીકરી ઝડપથી જેલમાંથી છૂટે તે માટે બેઠકો યોજી હતી. આજે પાયલબેન ગોટી જેલમાંથી જામીન પર બહાર આવતા ખોડલધામ ટ્રસ્ટવતી દિનેશભાઈ બાંભણીયાએ આ ઘટનામાં દીકરીને સાથ આપનાર તમામ સંસ્થાઓ, રાજકીય-સામાજીક આગેવાનો અને લોકોનો આભાર વ્યકત કર્યો હતો. અને ભવિષ્યમાં પણ આ દીકરીને જયારે જરૂર પડે ત્યારે સંસ્થા સાથે ઉભી રહેશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.