કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી, અમરેલી ખાતે અમરેલી જિલ્લાના પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતમિત્રો માટે ખાસ માર્કેટિંગની તાલીમ શૃંખલાના પ્રથમ તબક્કાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીના કુલપતિ ડા. સી.કે. ટીંબડીયા, અમરેલી જિલ્લાના અધિક કલેકટર દિલીપસિંહ ગોહિલ, અમર ડેરી ચેરમેન અશ્વિનભાઈ સાવલિયા, કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગ, અમરેલીના આચાર્ય ડા. સ્વપ્નીલ દેશમુખ સાહેબ તેમજ વક્તાઓ એવા પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ પંડિત (જૂનાગઢ), નારસંગભાઇ મોરી (ભાવનગર) તેમજ મેઘજીભાઈ હિરાણી-કચ્છથી અને વનરાજસિંહ ચૌહાણ-વડોદરાથી હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટી દ્વારા દત્તક લીધેલા ગામોના અંદાજીત સો જેટલા ખેડૂત મિત્રોએ હાજરી આપી હતી.