લાઠી રોડ પર આવેલ સોસાયટીઓમાં ઘણા સમયથી રહીશોએ પાયાની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રજૂઆતો નગરપાલિકામાં કરી હતી. આ વિસ્તારમાં રોડ રસ્તા, સ્ટ્રિટલાઈટ જેવી મૂળભૂત પાયાની સુવિધાઓ ન મળતી હોવાને કારણે અને ગંદકીને લીધે સ્થાનિક લોકોમાં રોષ વ્યાપી ગયો હતો. અનેક વખત રજૂઆત કરવા છતાં બહેરા અધિકારીઓના કાને વાત સંભળાય તે માટે આજે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો નગરપાલિકા કચેરી ખાતે ધસી ગયા હતા અને રામધૂન બોલાવી હતી. ‘ચમત્કાર વિના નમત્કાર નહીં’ એ કહેવતને સાર્થક કરતા પાલિકાનો સ્ટાફ દોડતો થયો હતો અને એન્જિનિયર સહિતના લોકોએ આવીને સ્થાનિકોને સમજાવ્યા હતા. નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર સહિતનાઓએ હાજર રહેવાની પણ તસ્દી લીધી ન હતી અને ટેલીફોનિક આશ્વાસન આપ્યા હતા. જેમાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં રોડ રસ્તા માટેનું એસ્ટીમેટ કરવામાં આવશે અને જૂન મહિના સુધીમાં આ વિસ્તારની પાયાની સુવિધાઓ મળશે તેવી ખાતરી એન્જિનિયર દ્વારા આપવામાં આવી હતી.