અમરેલી શહેરમાં મંગળવારના રોજ ટ્રેનિંગ સેન્ટરનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ જતા પાયલોટ ગંભીર રીતે દાઝી જતા તેનું મોત થયુ હતું. વિમાન ક્રેશ થતા શહેરીજનોમાં ભયનો માહોલ છવાયો હતો. વિમાન કઈ રીતે ક્રેશ થયું તેની તપાસ કરવા માટે દિલ્હીથી એક ટીમ આવી પહોંચી હતી જેમણે દુર્ઘટનાગ્રસ્ત વિમાનની તપાસ કરી હતી. અમરેલીના ગીરીયા રોડ પર આવેલા શાસ્ત્રીનગરમાં એક વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતા પાયલોટનું દાઝી જવાથી મોત થયુ હતું. વિમાન ક્રેશ થયાની જાણ દિલ્હી એવિએશનની ટીમને થતા ટીમ અમરેલી આવી પહોંચી હતી. વિમાન જે સ્થળે ક્રેશ થયુ તે સ્થળ પર ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને વિમાનની અંદર રહેલા જરૂરી કાગળો, બ્લેક બોક્ષ, પાટ્‌ર્સ સહિતના પુરાવા એકત્ર કર્યા હતા. એવિવેશનની ટીમે સ્થાનિકો પાસેથી પણ વિમાન ક્રેશ અંગેની માહિતી મેળવી હતી. આ અંગે કલેકટર અજય દહીયાએ જણાવ્યું હતું કે, પાંચ સભ્યોની ટીમ આવી છે. પ્લેન ક્રેશ કઈ રીતે થયુ તેનો રિપોર્ટ એવિવેશનની ટીમ દિલ્હી જમા કરાવશે. વિમાન ક્રેશ અંગે ટીમ દ્વારા વિમાનનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યુ હતું.