અમરેલી સ્વામિનારાયણ મંદિરની સામે નદીપટ્ટે મરચા-મસાલા બજારનો પ્રારંભ થઈ ગયો છે. બે થી અઢી મહિના સુધી ચાલનાર આ બજારમાં ગામડા અને શહેરની પબ્લિકની ભારે ભીડ જોવા મળી રહી છે. અમરેલી જિલ્લાના આ સૌથી મોટા મરચા-મસાલા બજારમાં ૪૦થી વધુ સ્ટોલ પર વિવિધ પ્રકારના મસાલા અને મરચાનું વેચાણ થઈ રહ્યું છે. આ બજારમાં ડબલ પટ્ટો, સિંગલ પટ્ટો, ઘોલર મરચું, કાશ્મીરી મરચું, ધાણા, ધાણી, રાય, જીરું, મેથી, હિંગ, વરિયાળી સહિતના મસાલાઓ મળી રહ્યા છે. ખાસ વાત એ છે કે અહીં મસાલા અને મરચાને લાઈવ દળી આપવામાં આવે છે, જેથી લોકોને ભેળસેળ વગરના તાજા દળેલા મસાલા મળી રહે છે. મહારાષ્ટ્ર, યુપી, એમપી અને ગોંડલના પ્રખ્યાત મરચા પણ અહીં ઉપલબ્ધ છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મરચાના ભાવમાં ૨૦%નો ઘટાડો જોવા મળી રહ્યો છે.