અમરેલી શહેરના ધરમ નગર -૧, શિવ મંદિર પાસે, લાઠી રોડ પર એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગવાની ઘટના બની હતી. આ અંગેની જાણ તુરંત અમરેલી ફાયર કંટ્રોલ રૂમને કરવામાં આવતા, ફાયર ઓફિસર એચ.સી. ગઢવીની આગેવાની હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમ તાત્કાલિક એક ફાયર ટેન્કર સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી આગ પર પાણીનો મારો ચલાવીને ગણતરીના સમયમાં આગને કાબુમાં લઈ લીધી હતી.
ફાયર સ્ટાફની સમયસૂચકતા અને કુશળતાના કારણે મકાનમાં રહેલો ઘરવખરીનો સામાન તેમજ કિંમતી ચીજવસ્તુઓ બચાવી લેવામાં સફળતા મેળવી હતી. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી.