રાજ્યમાં લોકોને વ્યાજના વિષચક્રમાંથી મુક્ત કરવા રાજ્ય સરકારે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે. વ્યાજખોરો પર લગામ કસવા ગુજરાત પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. અમરેલીમાં રહેતા અને ધોબી કામ કરતા યુવકને વ્યાજે રૂપિયા લેવાનું ભારે પડ્‌યું હતું. વ્યાજંકવાદીએ તેમને ગાળો બોલી જાનથી મારવાની ધમકી આપી હતી. બનાવ અંગે ધર્મેશભાઈ પ્રવિણભાઈ વાઘેલા (ઉ.વ.૪૧)એ દાદાભાઈ અમરૂભાઈ વાળા, મેઘજીભાઈ મોહનભાઈ સગર, ભાણાભાઈ ગેરેજવાળા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આરોપીઓ પાસે વ્યાજે પૈસા આપવાનું લાયસન્સ ન હોવા છતાં તેમને રૂ.૬૫,૦૦૦ ૭% માસિક વ્યાજે આપ્યા હતા. તેમના મિત્ર સાહેદ અજયભાઇ ઘનશ્યામભાઇ વિસાણી, રહે.રાજકોટ વાળાને રૂ.૧,૦૦,૦૦૦ ૭% માસિક વ્યાજે ત્રણેય આરોપીઓએ તેમના હસ્તક પૈસા આપ્યા હતા. જેમાં તેમણે છેલ્લા બે વર્ષ જેટલા સમય સુધી આરોપીઓને રૂ.૪૫૫૦ લેખે વ્યાજ ચૂકવ્યું હતું તથા સાહેદ અજયભાઇ રૂ.૭૦૦૦ લેખે ત્રણ હપ્તા ચૂકવી કયાંક જતા રહ્યા હતા. જેથી આ ત્રણેય આરોપીઓએ તેમની પાસે અવાર-નવાર વ્યાજના પૈસા બાબતે ઉઘરાણી કરી, જેમફાવે તેમ ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ અમૃતભાઈ તલાભાઈ ચૌધરી વધુ તપાસ કરી રહ્યા છે.