અમરેલીમાં સ્વામિનારાયણ મુખ્ય મંદિર દ્વારા આયોજિત પંચદશાબ્દિ મહોત્સવની આજે શ્રધ્ધાસભર પૂર્ણાહુતી થઇ હતી. અમરેલી મંદિરના નિર્માતા અને સમગ્ર મહોત્સવના પ્રેરક પૂજ્ય ગુરુવર્ય શ્રી ભક્તિસંભવદાસજી સ્વામીજી ના શિષ્ય યુવા વક્તા શ્રી હરિસ્વરુપદાસજી સ્વામી અને શ્રી હરિકૃષ્ણ સ્વામી દ્વારા શ્રીમદ્‌ સત્સંગી જીવન કથા સપ્તાહ પારાયણ અને અમરેલીની ગાથા પર શ્રોતાજનોને કથાવાર્તાનું સંગીતમય શૈલી અને વિડીયો ક્લિપના માધ્યમથી કથાનું રસપાન કરાવ્યું હતું. આ અવસરે ધામોધામથી સંતો અને મહારાજશ્રીઓએ પણ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવ્યા હતા. વિશાળ પોથીયાત્રા, જળયાત્રા, જન્મોત્સવ, ગાદી પટ્ટાભિષેક, મહિલા મંચ, રાજોપચાર પૂજા, અભિષેક, અન્નકૂટ ઉત્સવ, સમૂહ મહાપૂજા, બ્લડ ડોનેશન કેમ્પ, આરોગ્યલક્ષી સેમિનાર, સર્વ રોગ નિદાન કેમ્પ, ગૌ પૂજન, બ્રાહ્મણ બાળકોને યજ્ઞ પવિત સંસ્કાર, રાસ ઉત્સવ અને રાત્રિ કાર્યક્રમમાં ભવ્ય લોક ડાયરો, ઘર સભા, સાંસ્કૃતિક કાર્યક્રમો જેવા વિવિધ આયોજન કરવામાં આવ્યા હતા. સમગ્ર મહોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ કથાવાર્તા તથા ભોજન પ્રસાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી હતી. આ દિવ્ય પંચ દશાબ્દી મહોત્સવને ભક્તોએ આંખોથી માણી અને કથાવાર્તાને સાંભળીને તન-મનને પુલકિત કર્યા હતા અને ભક્તિરૂપી આત્મકલ્યાણનું ભાથું બાંધ્યું હતું. સંતોએ મહોત્સવમાં તન-મન-ધનથી સેવા કરનાર ભક્તોને આશિષ પાઠવ્યા હતા. ઉત્સવમાં ઉપસ્થિત સર્વ મહેમાનો, સંતો-ભક્તો, રાજકીય મહાનુભાવો, સામાજિક સંસ્થાઓ, વેપારી મિત્રોનો હૃદયથી આભાર વ્યક્ત કર્યો હતો