મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા પખવાડા અભિયાન યોજાઈ રહ્યા છે. આ કડીના ભાગરુપે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા હી સેવા’ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. અમરેલી નગરમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવ મતવિસ્તારના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને શ્રમદાન કાર્યક્રમ સંપન્ન થયો હતો. અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત કાર્યક્રમમાં મહાનુભાવોએ શહેરના કોલેજ ચોકથી સ્ટેશન વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. વિદ્યાર્થીઓ અને નાગરિકો પણ આ અભિયાનમાં જોડાયા હતા અને રસ્તાની સાફસફાઈ કરી હતી અને ઘન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. આગામી એક સપ્તાહ સુધી સ્વૈચ્છિક સંસ્થાઓ અને જનભાગીદારીથી શહેરનાં વિવિધ વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવશે.
સમગ્ર અમરેલી જિલ્લામાં આગામી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત અનેકવિધ કાર્યક્રમ યોજાશે. આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા અને જિલ્લા કલેક્ટરે જનભાગીદારીથી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા આહ્વાન કર્યુ હતું. આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ બિપીનભાઈ લીંબાણી, અમરેલી પ્રાંત અધિકારી નાકિયા, અમરેલી શહેર મામલતદાર, જિલ્લા વહીવટીતંત્ર અને નગરપાલિકાના કર્મયોગીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો જોડાયા હતા.