અમરેલીના પ્રાંત અધિકારી એમ.જે.નાકીયા,  મામલતદાર, ટીડીઓ, તાલુકા હેલ્થ ઓફિસર સહિતના અધિકારીઓની હાજરીમાં ચાંદીપુરા વાયરસ અંગે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાસ્ક ફોર્સની મિટિંગમાં ચાંદીપુરા વાઈરસ શું છે અને કેવી રીતે ફેલાય છે તેની સવિશેષ સમજણ આપવામાં આવેલ. આ રોગ ખાસ કરીને ૧૪-વર્ષથી નીચેના બાળકોમાં જોવા મળે છે જે સેન્ડ ફલાઈ નામની માખીમાંથી આ રોગ ફેલાય છે. આ રોગમાં હાઈગ્રેડ ફીવર જોવા મળે છે, માથાનો દુઃખાવો, ઝાડા-ઉલ્ટી, ખેંચ આવવી જેવા લક્ષણો જણાય તો નજીકના સરકારી દવાખાનામાં જઈને સારવાર કરાવવી. આ વાયરસની સરકારી દવાખાના કે પ્રાઈવેટ દવાખાનામાં સારવાર ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે વાહકજન્ય રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ, ચીકનગુનીયા તથા પાણીજન્ય રોગો જેવા કે ઝાડા, ઉલ્ટી તમામ રોગચાળાની મિટિંગમાં ચર્ચા કરવામાં આવેલ હતી. લોકોને કલોરીનેશન યુકત પાણી મળી રહે જેથી કરીને ઝાડા, ઉલ્ટી, કમળો, ટાઈફોઈડ જેવા રોગો ન થાય તે બાબતે માહિતી આપવામાં આવી હતી.