રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર દ્વારા આયોજિત અને અમરેલી જિલ્લા યુવા વિકાસ અધિકારી દ્વારા સંચાલિત રાજ્યના ૧૫ થી ૩૫ વર્ષના અનુસૂચિત જાતિના યુવકો અને યુવતીઓના સર્વાંગી વિકાસ માટે તાલુકાકક્ષાએ વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન અમરેલી જિલ્લાનાં તમામ તાલુકામાં થશે. અમરેલી જિલ્લાનાં પ્રત્યેક તાલુકામાં યુવક-યુવતીઓ માટે નિયત કરવામાં આવેલા સ્થળે ૪ દિવસ માટે ૪૫ યુવક યુવતીઓ માટે વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર ઓગષ્ટ મહિનામાં યોજાશે. શિબિરાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે યુવક મંડળની સ્થાપના, રચનાની કાર્ય પદ્ધતિ, પંચાયતી માળખાનો ખ્યાલ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજિક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા તેમજ યુવક યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ માર્ગદર્શન આપવામાં આવશે. શિબિરાર્થીઓના શારીરિક-માનસિક તેમજ આધ્યાત્મિક વિકાસ માટે યોગ શિક્ષકો દ્વારા વિવિધ પ્રકારના આસનો દ્વારા સમજ આપવામાં આવશે. શિબિરાર્થીઓને આવવા-જવાના પ્રવાસ, ભોજન તેમજ નિવાસ ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. અમરેલી જિલ્લાનાં યુવક-યુવતીઓએ તાલીમ શિબિરમાં જોડાવા માટેનું ફોર્મ જિલ્લા યુવા અને
સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, બહુમાળી ભવન, બ્લોક સી, પ્રથમ માળ, રુમ નં.૧૧૦-૧૧૧ અમરેલી પરથી મેળવી તા.૨૨ જુલાઇ સુધીમાં મોકલી આપવાના રહેશે.