અમરેલી જિલ્લાના કેરલાના પાટિયા નજીક આવેલી પેટ ઇન્ડસ્ટ્રીઝમાં ગઈકાલે આશરે ૧૭ઃ૧૫ કલાકે અચાનક આગ લાગવાની ઘટના બની હતી. ઘટનાની જાણ અમરેલી ફાયર કંટ્રોલરૂમને થતાં જ તાત્કાલિક ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર ઓફિસર એચ.સી.ગઢવીના નેતૃત્વ હેઠળ અમરેલી ફાયર ઈમરજન્સી સર્વિસની ટીમના બે ફાયર ટેન્કરે ઘટના સ્થળે પહોંચીને તાત્કાલિક પાણીનો મારો શરૂ કર્યો હતો. અંદાજિત ૫૦,૦૦૦ લીટર પાણીનો ઉપયોગ કરીને ફાયર બ્રિગેડની ટીમે આગને કાબૂમાં લીધી હતી. જો કે, ઇન્ડસ્ટ્રીઝમાં લગભગ ૧૦૦ ટન જેટલો લાકડાનો જથ્થો હોવાના કારણે આગને સંપૂર્ણપણે ઠારવા માટે ભારે જહેમત કરવી પડી હતી. આ સફળ કામગીરીમાં ફાયર સ્ટાફના સભ્યો આનંદભાઈ જાની, ભગવતસિંહ ગોહિલ, સવજીભાઈ ડાભી, સાગરભાઇ પુરોહિત, કૃષ્ણભાઈ ઓળકિયા, અરૂણભાઇ વાઘેલા, દિલીપ સિંહ રાઠોડ, ધવલભાઇ ચાવડા અને હર્ષભાઈ ચાવડાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.