આત્મા, બાગાયત અને ખેતીવાડીની વિવિધ સહાય યોજનાઓનો લાભ મેળવ્યો – નક્ષત્ર આધારિત વાવણી પરંપરાગત ખેતીનો પુનઃ પ્રારંભ કરવાની નેમ
પ્રાકૃતિક ખેતી એ ઓછાં ખર્ચે સારૂ ઉત્પાદન મેળવવાની ચાવી છે ઃ પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઈ બાંભણીયા
ડ્રીપ ઇરિગેશન દ્વારા જીવામૃત આપવામાં આવે છે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અનુરોધ
કૂવો રિચાર્જ કરી જળ સંવર્ધન અને જળ સંરક્ષણની દિશામાં આવકારદાયક પગલું ભરતા ખેડૂત
અમરેલી જિલ્લાના દરિયાકાંઠાના સાહસી યુવાન ખેડૂતનું પ્રાકૃતિક ખેતીનું મોડેલ ફાર્મ અન્ય ખેડૂતો માટે પ્રેરણાધામ બની રહ્યું છે
આગામી પાંચ વર્ષમાં ૧૦૦ ટકા પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવા માટે મિશન મોડમાં પ્રયાસો થઈ રહ્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના માર્ગદર્શન અને દિશાનિર્દેશમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પ્રયાસો થઈ રહ્યા છે ખેડૂતોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ અભિયાનમાં અમરેલી જિલ્લો હરણફાળ ભરી રહ્યો છે.
ભૌગોલિક રીતે વૈવિધ્યસભર અમરેલી જિલ્લાના દરિયાકાંઠા વિસ્તારમાં એક યુવાન ખેડૂતે
પ્રાકૃતિક ખેતીના અભિયાનનું બીડું ઝડપ્યું છે. જિલ્લાના જાફરાબાદ તાલુકાના રોહીસા ગામના ખેડૂત પ્રવિણભાઈ બાંભણીયાએ ૩૦ વર્ષની યુવાન વયે નોકરી છોડી અને પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
ભવાની પ્રાકૃતિક ફાર્મના બેનર તળે પ્રવીણભાઇ ઋતુ મુજબના શાકભાજી, માંડવી, જીરૂ, લસણ, બાજરી, ઘઉં, મગ, મઠ, અડદ, હળદર અને કેળની ખેતી કરી સફળતા પ્રાપ્ત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે, ચાર વર્ષ પહેલા મેં નોકરી છોડી, પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
અમારો પરિવાર સંયુક્ત પરિવાર છે. પ્રાકૃતિક ખેતીમાં મને મારા બંધુઓ ભીમજીભાઈ અને ભાણજીભાઈનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. પ્રાકૃતિક ખેતી એ ઓછાં અથવા તો એમ કહીએ કે બિનખર્ચાળ જેવી અને સારી જાતનું વધુ ઉત્પાદન-ઉપજ આપવા માટેની ચાવી છે. રાસાયિણક ખાતરના ઉપયોગથી ખેતી ખર્ચ વધી શકે પણ આ પ્રાકૃતિક ખેતી ખેડૂત માટે
સમૃધ્ધિના દ્વાર ખોલનારી છે.
હાલમાં, સરેરાશ એક વીઘામાં રુ.૦૧ લાખ જેટલું ઉત્પાદન મળી રહ્યું છે. બે ગાય દ્વારા રોજ ૧૦૦-૧૦૦ લિટર જીવામૃત થઈ રહ્યું છે, તેને સ્ટોર કરવા બે ટેંકની વ્યવસ્થા છે. ડ્રીપ ઈરિગેશનથી જીવામૃત પિયત તરીકે આપવામાં આવે છે. જીવાત નિયંત્રણ માટે પંચપર્ણી અર્ક, બ્રહ્મા†, નિમા† વગેરે જેવી પ્રાકૃતિક દવાઓ કારગર છે. આ પદ્ધતિ દ્વારા જમીન ફળદ્રુપ બને અને ઉત્પાદન ઘટતું નથી.
પાણીના ટીપે ટીપાંનું મહત્વ સમજતા પ્રવિણભાઈ બાંભણીયા દરિયાકાંઠાના ખેડૂત છે. ખેતીવાડી વિભાગની આશરે રુ.૨૪,૦૦૦ની સબસિડી તેમણે ગયા વર્ષે મેળવી. આ સબસિડીનો યોગ્ય ઉપયોગ કરી, કૂવો રિચાર્જ કર્યો, પાણીનું સંવર્ધન અને જતન કર્યુ છે.
ખેતીમાં પ્રયોગાત્મક અને નવા પાક અપનાવવાના પ્રવાહને પણ પ્રવીણભાઇએ અપનાવી લીધો. કપાસ, મગફળી જેવા મુખ્ય પાક થાય તે જગ્યાએ તેમણે આ વર્ષથી કેળના બગીચા માટે સાહસ ખેડ્યું. કેળ રોપવા માટે રાજય સરકારના બાગાયત વિભાગની અંદાજે રૂ. ૩૫,૦૦૦ની સહાય મેળવી.
રોહીસાનું આ ભવાની પ્રાકૃતિક ફાર્મ એ અનેક ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીના મોડેલ ફાર્મ તરીકે પ્રેરણાધામ બન્યું છે. ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના પાઠ શીખવા મળી શકે તેમ છે.