લોકસભામાં રજૂ કરાયેલાં તાજેતરનાં ડેટાએ સમગ્ર ગુજરાતમાં ભૂગર્ભજળની ગુણવત્તાનાં મુદ્દાઓને ઉજાગર કર્યા છે, જેમાં ૩૩ માંથી ૨૮ જિલ્લાઓમાં ભૂગર્ભજળ ખારાશથી પ્રભાવિત છે. સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં ૨૦૨૨-૨૩ ના અહેવાલ પર આધારિત ડેટા દર્શાવે છે કે ૩૦ જિલ્લાઓના ભૂગર્ભજળમાં ઉચ્ચ ફ્લોરાઈડનું સ્તર છે. જ્યારે ૩૨ જિલ્લામાં ભયજનક ઉચ્ચ નાઈટ્રેટ રહેલ છે. ગુજરાત છ ભારતીય રાજ્યોમાં સ્થાન ધરાવે છે જ્યાં ૭૫ ટકાથી વધુ જિલ્લાઓ ત્રણેય પ્રકારનાં ભૂગર્ભજળ દૂષણથી એટલે કે ખારાશ, ફ્લોરાઈડ અને નાઈટ્રેટથી પ્રભાવિત છે. આ રિપોર્ટ દર્શાવે છે કે, લેવામાં આવેલાં નમૂનાઓમાં, ૫૦ ટકામાં ખારાશનું પ્રમાણ વધુ, ૧૮ ટકામાં ખૂબ જ વધારે અને ૭ ટકામાં ખુબ જ ઉચ્ચ પ્રમાણ હતું. રાજ્યના જળ ગુણવત્તા સૂચકાંક મુજબ માત્ર ૧૧ ટકા પાણીનાં નમૂનાઓને “ઉત્તમ“ અને ૪૩ ટકાને “સારા” તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં છે. નોંધપાત્ર ૪૫ ટકા નમૂના સ્વીકાર્ય ધોરણોથી નીચે આવે છે, જેમાં ૩૦ ટકાને “નબળા”, ૯ ટકાને “ખૂબ જ નબળા” તરીકે રેટ કરવામાં આવે છે અને ૬ ટકાને પીવા માટે અયોગ્ય માનવામાં આવે છે. ઉચ્ચ ખારાશ ધરાવતાં વિસ્તારોમાં અમદાવાદમાં વિરમગામ, ભાવનગરમાં સિહોર, જામનગરમાં જોડિયા, જૂનાગઢમાં માંગરોળ અને સુરેન્દ્રનગરમાં લખતરનો સમાવેશ થાય છે. અમદાવાદમાં ધંધુકા, અમરેલીમાં રાજુલા, બાબરા અને બગસરા, આણંદમાં પેટલાદ, ભાવનગરના મહુવા અને ઘોઘા, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર અને ભાણવડ અને જામનગરના જોડિયા અને કાલાવડ જેવાં વિસ્તારોમાં ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું ઊંચું સ્તર જોવા મળ્યું હતું. ભૂગર્ભજળ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સપાટી પરનાં પાણીની ઉપલબ્ધતામાં સુધારો થયો છે.