અમરેલી જિલ્લામાં અકસ્માતની વણથંભી વણઝાર ચાલુ જ છે. દાતરડી ગામથી વિસળીયા ગામ જતાં પુલ ઉપર બોલેરોની ટક્કરથી એકનું મોત થયું હતું. બનાવ અંગે ભાવનગરમાં રહેતા વારસભાઈ કિશોરભાઈ બ્રહ્મભટ્ટ (ઉ.વ.૨૧)એ બોલેરો નંબર જીજે-૧૪-ઝેડ-૫૦૧૫ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમના મોટાભાઈ મરણજનાર અક્ષયભાઇ, તન્વીબેન રાઠોડ, હર્ષભાઇ બારૈયા તથા પુજાબેન મકવાણા સ્વિફ્‌ટ લઇને સોમનાથથી ભાવનગર જતા હતા. તે દરમિયાન રાત્રીના આશરે સાડા બારેક વાગ્યાના સમયે દાતરડી અને વિસળીયા ગામની વચ્ચે આવેલ પુલ ઉપર આરોપીએ પોતાના હવાલાનું બોલેરો વાહન પુરઝડપે અને બેફિકરાઇથી માણસોની જીંદગી જોખમાય તે રીતે ચલાવી ફોરવ્હીલ સાથે ભટકાવ્યું હતું.
જેમાં તેમના ભાઇ અક્ષયભાઇને શરીરે નાની મોટી ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતું તેમજ અન્યોને નાની મોટી ઇજાઓ થઈ હતી.
ઝાલોદ તાલુકાના ગામડી ગામના અને હાલ વડીયાના બરવાળા
(બાવીશી) ગામે રહેતા દુર્ગાબેન અનિલભાઈ ડામોર (ઉ.વ.૩૫)એ ટ્રેકટર ચાલક અશ્વિનભાઈ મનુભાઈ બાવીશી સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ૮ વર્ષીય પુત્રને ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું.
વડીયાના અમરાપુર ખાતે રહેતા પંકજભાઈ મુળજીભાઈ રાજપરા (ઉ.વ.૫૦)એ જાહેર કર્યા મુજબ, તેમનો પુત્ર વિશાલ (ઉ.વ.૨૮) બાઇક લઇને જતો હતો ત્યારે મોટર સાયકલ સ્લીપ થતાં ઇજા થવાથી મોત થયું હતું.