અમરેલી,તા.૧૩
દેશભરમાં હાલ ધુળેટીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ આજે ધુળેટીના પર્વની ઉજવણી કરવામાં આવશે.
પ્રાકૃતિક કલર અને પાણીના બચાવ સાથે ધુળેટીની ઉજવણી કરાશે. મહિલાઓ, પુરુષો, આબાલ-
વૃદ્ધ સહુનો લોકપ્રિય તહેવાર ધુળેટી છે. પાણી બચાવવાના સંદેશ સાથે અમરેલીની સોસાયટીના રહીશો પ્રાકૃતિક કલરથી હોળી રમશે. જિલ્લાની અનેક સોસાયટીઓના રહીશો સૌ સાથે મળી ભોજન લેશે. ત્યારે આજે અમરેલીના લોકો ભાઈચારાની ભાવનાથી રંગોના પાવન પર્વની રંગેચંગે ઉજવણી કરનાર છે. ધુળેટી એટલે રંગનો પર્વ કે જેમાં લોકો તમામ પ્રકારના ભેદભાવ ભૂલી લાગણીઓના સથવારે રંગોથી રમે છે. આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઊજવવામાં આવે છે. અબીલ-ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશનાં મેઘઘનુષ્યને જાણે
પૃથ્વી પર ઉતાર્યું હોય તેવું વાતાવરણ સર્જાય છે. બગસરા વિવેકાનંદ સોસાયટીના રહીશ જયેશભાઈ પંડયાએ જણાવ્યું હતું કે અમારી સોસાયટીમાં તમામ તહેવારોની ઉજવણી હર્ષોલ્લાસથી કરવામાં આવે છે. આમ, આજે ધુળેટીના પર્વને લઈ જિલ્લાવાસીઓમાં અનેરો થનગનાટ જાવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લામાં ભક્તિભાવપૂર્વક હોલીકા દહન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ હોલીકા દહનમાં મકાઈ, કપૂર, શ્રીફળ, ખજૂર, હારડો સહિતની વસ્તુની આહૂતિ આપી પ્રદક્ષિણા કરી હતી. હોળીની જાળને જાઈ આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેનો પણ વર્તારો કરવામાં આવે છે.