અમરેલી જિલ્લામાં બપોરના સમયે અંગ દઝાડતી ગરમી પડી રહી છે. સવારના ૧૧ઃ૦૦ કલાકથી સાંજના ૬ઃ૦૦ વાગ્યા સુધી તો ગરમ લૂ ફેંકાતી હોય તેવા પવનો ફૂંકાય છે. એકતરફ આકરી ગરમી છે તેની સાથે સાથે દરિયાકાંઠા પરથી ભેજવાળા ગરમ પવન  ફુંકાવાની શરૂઆત થતા આ વિસ્તારના લોકો જાણે શેકાઇ રહ્યાં છે. ગુરુવારની જેમ શુક્રવારે પણ અમરેલી શહેરનું મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી ઉપર રહ્યું હતું. સવાર પડતા જ સૂર્યનારાયણનો તાપ આકરો લાગવા માંડયો હતો. અને બપોરના સમયે તો જાણે શહેરની બજારો પર કુદરતી કર્ફ્યુ લાદ્યો હોય તેમ લોકોની હાજરી પાંખી થઇ ગઇ હતી. વાહનચાલકોના શરીરને ગરમ પવન જાણે દઝાડી રહ્યો હતો. ગરમીને કારણે લોકો ઠંડા પીણા, શેરડીનો રસ સહિતનો સહારો લઈ રહ્યાં છે.