એક તરફ રાજ્યના કૃષિ મંત્રી વારંવાર યુરિયા ખાતર સાથે નેનો ખાતર ફરજિયાત નહીં આપવા માટેની સ્પષ્ટતા કરી રહ્યા છે અને ગઈકાલે જ રાજ્યની વિધાનસભામાં પણ આ અંગે રાજયના કૃષિ મંત્રી રાઘવજી પટેલે સ્પષ્ટતા કરી છે કે જો કોઈ પણ ખાતરના વિક્રેતા અથવા તો દુકાનદાર ખેડૂતોને યુરિયા અથવા તો ડીએપી સાથે ફરજિયાત નેનો ખાતર આપશે તો આવા લાયસન્સ ધારકોના લાયસન્સ રદ કરવામાં આવશે. પરંતુ કૃષિ મંત્રીની વારંવારની આવી સ્પષ્ટતાઓને અમરેલી જિલ્લાના રાસાયણિક ખાતરના વિક્રેતાઓ ઘોળીને પી ગયા હોય તેમ પરાણે નેનો ખાતર પધરાવી રહ્યા છે. થોડાક દિવસ પહેલા જ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં પણ આવો જ એક કિસ્સો બન્યો હતો કે ખેડૂતો આ લાયસન્સ ધારક પાસે ડીએપી ખાતર લેવા ગયા ત્યારે તેમણે ફરજિયાત નેનો ખાતર આપવાની વાત કરી હતી અને જ્યારે ખેડૂતોએ આ અંગે ના પાડી તો તેમણે ખેડૂતોને ડીએપી ખાતર આપવાની સ્પષ્ટ ના ભણી દીધી હતી અને કહ્યું હતું કે જો ડીએપી અથવા તો યુરિયા ખાતર જોઈતું હશે તો નેનો ખાતર ફરજિયાત લેવું પડશે. અમરેલી જિલ્લાના ઘણા ખેડૂતોને આવા કડવા અનુભવો થઈ રહ્યા છે. એક તરફ રાજ્યના કૃષિ મંત્રી વાત કરી રહ્યા છે અને બીજી તરફ ખાતરના વિક્રેતાઓ ફરજિયાત રીતે નેનો ખાતર ખેડૂતોને પધરાવી રહ્યા છે ત્યારે સવાલ થાય છે કે શું ખેતીવાડી ખાતું ઊંઘતું જ રહેશે કે આવા ફરજિયાત નેનો ખાતર પધરાવતા લાયસન્સ ધારકો સામે કાર્યવાહી કરી અને તેમના લાયસન્સો રદ કરશ ે? નવાઈની વાત તો એ છે કે અમરેલી જિલ્લામાં કરોડો રૂપિયાનું નેનો ખાતર ફરજિયાત ખેડૂતોને પધરાવી દીધું હોવા છતાં અત્યાર સુધીમાં એક પણ ખાતર વિક્રેતાનું લાઇસન્સ રદ નથી થયું ત્યારે સ્વાભાવિક પ્રશ્ન છે કે આ ખેતીવાડી ખાતાની મીઠી નજર હેઠળ કારસ્તાન ચાલી રહ્યું છે કે શું ?? હાલમાં તો ખેડૂતોના કહેવાતા જિલ્લામાં એક પણ રાજકીય આગેવાને ખેડૂતો તરફથી આ અંગે એકપણ વખત કોઈ બયાન આપ્યું નથી અથવા તો ખેડૂતોને ફરજિયાત ખાતર ન પધરાવવા માટે વાત પણ કરી નથી. એ વાત સાચી છે કે નેનો ટેકનોલોજી સારી છે પરંતુ જો ખેડૂતો તેનો ઉપયોગ કરવા ન માગતા હોય તો તેને ફરજિયાત આપવું જોઈએ નહીં અથવા તો ખેતીવાડી ખાતાએ આ અંગે જનજાગૃતિના પ્રયાસો કરી અને ખેડૂતો આ ખાતર વાપરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા જોઈએ ત્યારબાદ જ ફરજિયાત ખાતર વેચવું જોઈએ તેવી પણ ખેડૂતોમાંથી માંગ ઉઠી છે.
નેનો ખાતર ખેડૂતોને ફ્રી આપવું જોઈએ નહીં કે ધરાર: પ્રવીણભાઈ આસોદરીયા – ખેતી નિષ્ણાંત
સામાન્ય રીતે સરકારે ખાતર હોય કે કોઈ ટેકનોલોજી હોય તેની અમલવારી કરવી હોય ત્યારે ખેડૂતોને એક વખત સરળ રીતે સમજે તે રીતે અવગત કરવા જોઈએ, તેના માટે સરકારે એક પ્રયોગ કરવો જોઈએ ખેડૂતોને ફ્રી આપવું જોઈએ નહીં કે ધરાર આપવું જોઈએ. આજે ખાતર વિક્રેતાઓ, સેવા સહકારી મંડળીઓ જ્યાં પણ ખેડૂત યુરિયા, ડીએપી કે અન્ય ખાતર લેવા જાય છે ત્યારે એમને નેનો યુરિયાની બોટલ સાથે આપે છે. કૃષિ મંત્રી વિધાનસભામાં એવું કહે છે કે તે ફરજિયાત નથી તેમ છતાં ખાતર વિક્રેતાઓ ખેડૂતોને આપી રહ્યા છે. ખેડૂતો મને-કમને તેની ખરીદી કરતા હોય છે. મારે એક કૃષિ નિષ્ણાંત તરીકે જણાવવું છે કે ફાયદો થવાનો હોય, ખર્ચ ઓછો થવાનો હોય છતાં ખેડૂતો નથી સ્વીકારતા તો ખેડૂતોને માહિતીથી અવગત કરવા જોઈએ અને નેનો યુરિયા ખરેખર ફાયદાકારક છે એવું સાબિત કરવા માટે ૫૦ વર્ષ અગાઉ જ્યારે ડીએપી ખાતરના વપરાશ માટે આ જ ખેતીવાડી ખાતુ અને આ જ ગ્રામસેવકોએ ખેડૂતોના ખેતરે જઇ અને વપરાશ શરૂ કરાવ્યો હતો એવો પણ એક પ્રયોગ કરી શકાય અને જો ખેડૂતોને યોગ્ય લાગશે તો આવતા વર્ષે તે ચોક્કસ વાપરશે.
ખેડૂતોનો અભિપ્રાય લેવો જોઈએ: સામતભાઈ જેબલીયા
અમરેલી જિલ્લામાં ફરજિયાત નેનો ખાતર પધરાવવા અંગે ખેડૂત આગેવાન સામતભાઈ જેબલીયા જણાવ્યું હતું કે ભૂતકાળમાં જે ખેડૂતોએ નેનો ખાતરનો ઉપયોગ કર્યો છે તેવા ખેડૂતોના મંતવ્ય લેવા જોઈએ અને તેમની સાથે વાત કરવી જોઈએ કે વપરાશમાં નેનો ટેકનોલોજી સારી કે દાણાદાર ટેકનોલોજી સારી અને તેમાં જે મંતવ્યો આવે તે પ્રમાણે સરકારે ખાતર વેચવાનો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ કોઈ પણ ખેડૂતને ફરજિયાત નેનો ખાતર આપવું જોઈએ નહીં
ખેડૂતો જાગૃત બની આવા દુકાનદારો સામે ફરિયાદ કરે: બી.એચ. પીપળીયા – નાયબ ખેતી નિયામક આ અંગે ખેતીવાડી ખાતાના અધિકારી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે જો કોઈ ખેડૂતો આ અંગે ફરિયાદ કરશે તો આવા વિક્રેતાઓના લાયસન્સ રદ કરવામાં આવશે ત્યારે ખેડૂતો પણ જાગૃત બનીને જ્યારે પણ આવી રીતે ફરજિયાત નેનો ખાતર પધરાવવામાં આવે ત્યારે ખેતીવાડી ખાતાના અધિકારીનો ટેલીફોન નં.૦૨૭૯૨ ૨૨૧૫૯ સંપર્ક કરે અને આવા લાયસન્સ ધારક વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરે તો ખેતીવાડી અધિકારી એમની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરશે.