અમરેલી જિલ્લા ભાજપ મંત્રી પારૂલબેન દાફડાએ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાને લેખિતમાં રજૂઆત કરી છે કે જિલ્લાના લોકોમાંથી જાણવા મળેલ છે કે, મતદાર ચૂંટણી કાર્ડમાં અધુરા નામથી લોકોને આધારકાર્ડ સાથે તેને લીંક કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ અંગે વડીયા મામલતદાર કચેરીમાં એવું જણાવે છે કે, અહિયાં આવા જ અધુરા નામવાળુ ચૂંટણી કાર્ડ આવશે. અન્ય જિલ્લાઓમાં તો આખા નામવાળું ચૂંટણી કાર્ડ આપે છે તો માત્ર અમરેલી જિલ્લામાં જ કેમ અધુરા નામ લખેલું ચૂંટણી કાર્ડ આવે છે એવી રજૂઆત કરવામાં આવી રહી છે. જોકે લોકોને આધારકાર્ડ લીંક કરાવવું હોય કે પછી આધારકાર્ડમાં કોઈપણ પ્રકારના સુધારા કરવાના હોય તો ચૂંટણી કાર્ડમાં આખું નામ લખેલું હોય તો જ લીંક થાય છે એટલે આખા નામવાળા ચૂંટણી કાર્ડની જરૂરિયાત પડી રહી છે.