તમામ મહિલાઓ લગ્ન કરી લોંગ વીઝા પર રહેતી હોવાનો ખુલાસો
આ મહિલાઓને પાછી મોકલવામાં આવશે કે નહી તે અંગે હજુ સુધી કોઈ માહિતી અપાઈ નથી
ગુજરાતમાં રહેતા પાકિસ્તાની નાગરિકોને દેશ છોડી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે ત્યારે રાજયમાં ૪૪પ નાગરિકોને અટારી બોર્ડર પર મોકલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ સમયે પાકિસ્તાની નાગરિકતા ધરાવતી મહિલાઓએ અમરેલી જિલ્લામાં લગ્ન કરી લાંબા સમયથી લોંગ વિઝા પર રહેતી હોવાનો ખુલાસો થયો છે. જાણવા મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લામાં પાકિસ્તાની નાગરિકતા ધરાવતી પાંચ મહિલાઓ ઘણા વર્ષોથી રહે છે. આ મહિલાઓ ભારતીય મુસ્લિમો સાથે લગ્ન કરી રહેતી હોવાનું જાણવા મળ્યુ છે. જેમાં અમરેલી, વડીયા અને સાવરકુંડલામાં આ મહિલાઓ રહેતી હોવાની માહિતી મળી છે. આ અંગે એસઓજી પીઆઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આ મહિલાઓને પાછી મોકલવી કે નહી તે અંગે હજુ કોઈ સત્તાવાર આદેશ આપવામાં આવ્યો નથી. હાલ તો ભારત સરકાર અને ગુજરાત સરકારના કડક નિર્ણયોને કારણે પાકિસ્તાની નાગરિકતા ધરાવતી પાંચ મહિલાઓના પણ જીવ પડીકે બંધાયા છે.