અમરેલી જિલ્લામાં ફરજ બજાવતા ૧૪ જેટલા પોલીસ કર્મચારીઓને ફરજમાં બેદરકારી દાખવવા બદલ જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. જાણવા મળતી માહિતી મુજબ જિલ્લામાં જેલ ગાર્ડ, સિવિલ પ્રિઝનલ ગાર્ડ, ટ્રેઝરી ગાર્ડ, ઈવીએમ ગાર્ડ, વેર હાઉસ ગાર્ડ, એસ.પી.કચેરી ગેઈટ, ઈમરજન્સી સિવિલ ગાર્ડ અને કોર્ટ પરિસર ગાર્ડ પર મદદનીશ પોલીસ અધિક્ષક વલય વૈદ્ય દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેથી આવી મહત્વની ફરજ પર હાજર રહેવાને બદલે ૧૪ પોલીસ કર્મચારીઓ ગેરહાજર જણાયા હતા. જેથી જિલ્લા પોલીસ વડા સંજય ખરાતે ઉમેદકુમાર મહેતા, હરેશભાઈ મંડોર, કિશનભાઈ આસોદરીયા, વિજયસિંહ સોઢા, જનકસિંહ ઝાલા, સુરેશભાઈ ખુમાણ, કનુભાઈ પલાસ, શિવાભાઈ જારસાણીયા, ભગવતીબેન પરમાર, અરૂણાબેન ધરજીયા, અશોકભાઈ ભટ્ટ, દિગ્વીજયસિંહ ચાવડા, યુવરાજભાઈ વાળા અને મિતેશકુમાર રાઠોડને સસ્પેન્ડ કર્યા છે. એકસાથે ૧૪ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવતા ગુટલીબાજ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે.