ગુજરાતમાં ચોમાસાએ દસ્તક દઈ દીધી છે અને રાજયમાં અનેક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડવા લાગ્યો છે ત્યારે અમરેલી જિલ્લાના ઘણા તાલુકાઓમાં વરસાદનું આગમન થયું છે જેમાં બાબરા ખાંભા, ધારી, અમરેલી અને બગસરામાં વરસાદ પડયો છે. બાબરા અને તેની આસપાસના ગામોમાં સાંજે જારદાર પવન સાંથે રથી ર.પ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બગસરા પંથકમાં માણેકવાડા, ઘંટીયાણ, નવી હળિયાદ, જૂની હળીયાદ તેમજ મોટા મુંજીયાસાર અને બગસરા શહેરમાં જોરદાર પવનના સૂસવાટા તેમજ વીજળીના કડાકા ભડાકા સાથે અડધો ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. ખાંભા શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. નાનુડી, ઉમરિયા, તાતણીયા, બોરાળા, ધાવડીયા સહિત ગામોમાં મેઘરાજાની પધરામણી થઇ હતી. ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.