અમરેલી જિલ્લાના વિવિધ શહેરોમાં તા.૩૧ના રોજ ઈદ-ઉલ-ફિત્રની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ સ્થળોએ ઇદગાહ પર મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો એકત્રિત થયા હતા. વહેલી સવારથી જ શહેરની વિવિધ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરોની આવન-જાવન શરૂ થઈ ગઈ હતી. ઇદગાહ ખાતે વિશેષ નમાજ અદા કરવામાં આવી હતી. નમાજ બાદ સૌએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારકબાદી પાઠવી હતી. બગસરા શહેરમાં રમજાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી જેમાં શહેરમાં ઈદગાહ અને મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી હતી. મુસ્લિમ ભાઈઓએ એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. શહેરમાં શાંતિમય માહોલ અને ખુશહાલી સાથે ઈદની ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં અને આખા દેશમાં ભાઈચારા સાથે બધા તહેવારો ઉજવાય તેવી દુવાઓ પણ કરવામાં આવી હતી. શહેરમાં રમજાન ઈદની નમાજ બાદ મુસ્લિમ બંધુઓમાં ખુશીનો માહોલ છવાયો હતો. અમરેલીમાં પણ ઈદની ઉજવણી કરવામાં આવી હતી. સાવરકુંડલામાં ઈદની સામૂહિક ઉજવણી કરવામાં આવી હતી. રમઝાન માસ એ મુસ્લિમ સમુદાય માટે એક મહત્વપૂર્ણ તહેવાર છે. રમઝાન ઈદ ઇસ્લામિક ચંદ્ર કેલેન્ડરના નવમા મહિના રમઝાનના અંતે ઉજવાય છે, જે એક મહિનાના ઉપવાસ (રોજા), પ્રાર્થના અને આધ્યાત્મિક ચિંતનનો સમય હોય છે. આ તહેવાર પવિત્ર રમઝાન મહિનાના સમાપનની ખુશી અને અલ્લાહ પ્રત્યે આભાર વ્યક્ત કરવાનો પ્રસંગ છે. ધારી, બાબરા, રાજુલા વગેરે જિલ્લાઓમાં પણ ઈદની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.