અમરેલી સહિત રાજયમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

અમરેલીમાં અડધો કલાકમાં બે ઈંચ જેવો વરસાદ વરસતા રોડ પર નદીઓ વહી
અમરેલી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદ પડી રહ્યો હોય જેનાં કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે. ચોમાસાની સિઝનમાં સારા વરસાદનાં કારણે હાલમાં મગફળી અને કપાસનો પાક તૈયારી પર છે તેમાં પણ મગફળીનાં પાથરાઓ ખેડૂતોએ ખેતરમાં રાખેલ છે ત્યારે જિલ્લામાં પડી રહેલા વરસાદથી મગફળીનાં પાકને નુકસાન થવાની શકયતા છે. સાથે કપાસમાં પણ વરસાદનાં કારણે ફૂગ થવાથી ફાલ ખરી રહ્યો છે. રવિવારે અમરેલી તાલુકામાં બપોર બાદ કડાકા ભડાકા અને વીજળીનાં ચમકારા સાથે એક કલાકમાં જ બે ઈંચ જેવો વરસાદ પડી જતાં શહેરનાં રસ્તાઓ નદીઓ માફક વહ્યાં હતા. જેના કારણે રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ખાંભા તાલુકામાં પણ બપોર બાદ અડધા ઈંચ જેવો વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલા તાલુકાનાં ગ્રામ્ય વિસ્તાર અને જાફરાબાદમાં પણ વરસાદી ઝાંપટા પડયા હતા. હવામાન ખાતા દ્વારા હજૂ આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હોય ખેતીનાં પાકને નુકસાન થવાની સંભાવના છે. જેના કારણે ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે.
અમરેલીમાં વીજળી પડવાની ઘટનાઓથી અંધારપટ્ટ છવાયો
અમરેલી શહેર અને તાલુકામાં બપોરબાદ વીજળીનાં કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડયો હતો. અમરેલી શહેરમાં જેસીંગપરા ફીડર, દ્રષ્ટી ફીડર, ચિત્તલ રોડ પર આવેલ ઓમનગર ફીડર પર વીજળી પડવાની ઘટના બની હતી. જયારે અમરેલી તાલુકાનાં જુદા જુદા પ ફીડર પર વીજળી પડી હતી. અમરેલીનાં કેરીયારોડ પર આવેલ ૬૬ કે.વી. સબ સ્ટેશનની એર બોટલ પર વીજળી પડતા શહેરનાં મોટાભાગનાં વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો અને પીજીવીસીએલની ટીમે તાત્કાલિક રીપેરીંગની કામગીરી શરૂ કરી હતી. જાકે તેમ છતાં પણ શહેરનાં ઘણા ભાગોમાં સાંજે અંધારપટ્ટ છવાયો હતો.