અમરેલી જિલ્લામાં હવે સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. રાજયમાં સ્માર્ટ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે ત્યારે વીજ કંપની દ્વારા હવે અમરેલી જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવાનું શરૂ કરાયુ છે. અને સૌથી પહેલુ સ્માર્ટ મીટર ખાંભા પોલીસ મથકમાં લગાવવામાં આવ્યું છે. સ્માર્ટ મીટરના કારણે લોકોની અગવડતા વધે છે કે ઘટે છે તે તો આવનારો સમય જ કહેશે. કેટલાક સ્થળે આવા મીટરનો વિરોધ પણ થઇ રહ્યો છે. તેની વચ્ચે આજે અમરેલી જિલ્લાના ખાંભા ખાતે પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરાઇ હતી. નાયબ ઇજનેરે એવુ જણાવ્યું હતું કે સૌપ્રથમ તમામ સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે. જેમાં આજે પહેલુ મીટર પોલીસ મથકમાં લગાવાયુ હતું. ત્યારબાદ પીજીવીસીએલના તમામ કર્મચારીઓના ઘરે સ્માર્ટ મીટર લગાવાશે અને ત્યારબાદ શહેરના લોકોને તેમાં આવરી લેવાશે. જા કે આ અંગે વીજ ગ્રાહકોએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર ફક્ત સરકારી કચેરીઓમાં જ લગાવવુ જાઈએ કારણ કે કચેરીઓમાં વીજબીલ કોઈ અધિકારીઓને ભરવાનું હોતુ નથી જયારે રહેણાંક મકાનમાં વીજગ્રાહકોને બીલ ભરવાનું હોય છે. સ્માર્ટ મીટર લગાવવાનો પ્રારંભ થયા બાદ જિલ્લામાં કેટલો વિરોધ થશે તે આવનારો સમય જ કહેશે.