સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે રહેતા મનસુખભાઈ નનુભાઇ વાઘમશીએ સને ર૦૧૩ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં સુખાભાઈ બાઘાભાઈ મોર તથા લાલજીભાઈ બાઘાભાઈ મોર (રહે. બન્ને ખોડીયાણા તા. સાવરકુંડલા) વિરૂદ્ધ ગુનો દાખલ કરાવેલ હતો. જે ગુનો સાવરકુંડલા એડી.ચીફ કોર્ટમાં ચાલી જતા ગત તા. ર૦/૧ર/ર૩ના રોજ સુખાભાઈ વિરૂદ્ધ ગુનો સાબિત થતા કોર્ટે તેને સજા ફરમાવેલ હતી. અને બીજા આરોપી લાલજીભાઇ મોરને શકનો લાભ આપી નિર્દોષ છોડી મુકેલ હતા. તે ચુકાદા સામે મનસુખભાઇ નનુભાઈ વાઘમશીએ ઉપરની કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી. સદર કેસ પાછો ખેંચી લેવા અને સમાધાન કરી લેવા સાવરકુંડલા તાલુકાના ખોડીયાણા ગામે રહેતા આરોપી સુખાભાઈ બાઘાભાઈ મોર, લાલજીભાઈ બાઘાભાઈ મોર, ધવલભાઈ લાલજીભાઈ મોર, કાનજીભાઈ ભાયાભાઈ બગડા તથા મનસુખભાઈ મનજીભાઈ વેકરીયા તેમજ સાવરકુંડલા તાલુકાના આંબરડી ગામે રહેતા શરદભાઈ નાનાભાઈ ગોદાણીએ અવારનવાર વારાફરતી મનસુખભાઇ નનુભાઇ વાઘમશીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી મરી જવા મજબુર કરતા જે માનસિક ત્રાસના લીધે મરણ જનારે સાવરકુંડલા કોર્ટમાં પોતાની જાતે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ફરિયાદ ગુણવંતભાઇ નનુભાઇ વાઘમશીએ સાવરકુંડલા પોલીસમાં નોંધાવી છે.