હોળાસ્ટક બેસે તે પૂર્વે જ પ્રદેશ ભાજપની સૂચના અનુસાર આજરોજ એટલે કે તા.૬ માર્ચના રોજ સવારે ૧૦ઃ૦૦ કલાકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવશે. અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની વરણીને લઈ છેલ્લાં ત્રણ મહિનાથી કોકડુ ગૂંચવાયેલુ હતું. જિલ્લામાં ચાર નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવશે તેવુ ચર્ચાઈ રહ્યુ હતું પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પુરી થઈ ગયા બાદ સત્તાના સુત્રો સોંપ્યા પછી હવે આજે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખની વરણી કરવામાં આવશે. જિલ્લા ભાજપ પ્રમુખની વરણી સમયે પ્રદેશ કક્ષાએથી નિરિક્ષકોની ટીમ પણ આવશે. શહેર અને તાલુકાઓના પ્રમુખની વરણી થયા બાદ આજે જિલ્લા ભાજપ પ્રમુખની વરણીને લઈ કાર્યકરોમાં કોણ જિલ્લા ભાજપ પ્રમુખ બનશે તેને લઈ ભારે સસ્પેન્સ જાવા મળી રહ્યુ છે.