અમરેલી સહિત રાજયના અનેક જિલ્લાઓમાં ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. આ અંતર્ગત અમરેલી જિલ્લા ભાજપના નવા પ્રમુખ તરીકે અતુલભાઈ કાનાણીની વરણી કરવામાં આવી છે. ધારી વિધાનસભા વિસ્તારના કાર્યકર્તા અતુલભાઈ કાનાણી વર્ષોથી સંગઠનમાં સક્રિય છે. તેમણે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે શુભ ચોઘડિયામાં પદભાર ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રદેશ ભાજપના ભરતભાઈ બોધરા, રાજેશભાઈ ચુડાસમા, રાજેશભાઈ શુક્લા, સાંસદ ભરતભાઈ સુતરીયા, પૂર્વ સાંસદ નારણભાઈ કાછડીયા સહિત જિલ્લા ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. નવા પ્રમુખની જાહેરાત થાય તે પૂર્વે જિલ્લામાંથી ભાજપના હોદ્દેદારો મોટી સંખ્યામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આવી પહોંચ્યા હતા.
જિલ્લા ભાજપ પ્રમુખ બનવા માટે ર૦થી વધુ દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જા કે પ્રદેશ ભાજપ દ્વારા સંગઠનના અનુભવી અને ધારી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ તેમજ જિલ્લા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અતુલભાઈ કાનાણીને જિલ્લા ભાજપ પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી છે. અતુલભાઈ કાનાણીનું જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નામ જાહેર થતાની સાથે જ ભાજપ કાર્યકરોએ અભિનંદન પાઠવ્યા હતા. અતુલભાઈ કાનાણીએ જણાવ્યું કે, પાર્ટી નેતૃત્વે સોંપેલી જવાબદારી સંભાળવા માટે તેઓ તત્પર છે. તેમણે કહ્યું કે સંગઠનના કાર્યકર્તાઓ સાથે મળીને અમરેલી જિલ્લા ભાજપની કામગીરીને વધુ મજબૂત બનાવશે.
આગામી દિવસોમાં મજબૂત ટીમ બનાવી સંગઠનનું કામ સરળતાથી થાય અને લોકોના કામ થાય તે માટે પ્રયત્નશીલ રહેશે. પ્રમુખ બન્યા બાદ અતુલભાઈ કાનાણી ફતેપુર ભોજલરામ બાપાના દર્શનાર્થે પહોંચ્યા હતા.