ભારત સરકાર મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય રદ કરે તે અંગે મહામંત્રી અમરેલી જિલ્લા યુથ કોંગ્રેસ જુનેદ ડોડીયા દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. રજૂઆતમાં જણાવ્યું છે કે ભારત સરકાર દ્વારા મૌલાના આઝાદ ફાઉન્ડેશનને બંધ કરવાનો આદેશ તાત્કાલિક પરત લેવો જોઈએ. પ્રધાનમંત્રી દ્વારા મુસ્લિમ સમાજના એક હાથમાં કુર્રાન અને એક હાથમાં કોમ્પ્યુટર આપવાની વાતને જાહેર મંચ ઉપરથી અનેક વખત દોહરાવેલ છે. જયારે મૌલાના આઝાદ ફાઉન્ડેશન બંધ કરવાનો નિર્ણય આ પ્રતિબદ્ધતાથી વિપરીત છે. દેશમાં લઘુમતીઓની શૈક્ષણિક અને આર્થિક સામાજિક સ્થિતિને જાણવા જસ્ટિસ સચ્ચર કમિટીની રચના કરવામાં આવી હતી. કમિટીના અહેવાલમાં ફલિત થયું હતું કે ભારતીય મુસ્લિમ અન્ય જાતિઓના પ્રમાણમાં સૌથી પછાત સ્થિતિમાં છે. આ ફાઉન્ડેશન થકી લઘુમતી વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં શિષ્યવૃત્તિ મેળવી રહ્યા હતા. તેવા સમયે ફાઉન્ડેશનને બંધ કરવાના નિર્ણયથી રાષ્ટ્રના નિર્માણમાં આગળ આવવાના તમામ મુસ્લિમ વિદ્યાર્થીઓના પ્રયાસો પ્રભાવિત થતા બંધારણીય અધિકારોથી વંચિત રહેશે.