અમરેલી તાલુકાનાં ખારાપાટ વિસ્તારમાં તળના પાણી પીવાલાયક નથી. જેને સરકાર દ્વારા મહિ પરિયોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે. છેલ્લા ૭-૭ વર્ષથી ઈશ્વરીયા સુધારા યોજના હેઠળ ખારાપાટ વિસ્તારને અપાતું મહિનું પાણી પાઈપ લાઈનોના રિપેરીંગનાં અભાવે નદીઓની માફક વહી રહ્યું છે. જેનાં કારણે અમરેલી તાલુકાનાં મોટા ગોખરવાળા, નાના ગોખરવાળા, સોનારીયા, લાપાળીયા, ચાંદગઢ સહિતનાં ગામોનાં લોકો આ પીવાનાં પાણી માટે વલખાં મારી રહ્યા છે. અને ફરજિયાત તળનું ફ્લોરાઈડવાળું પાણી પીવા મજબૂર બન્યા છે.
ગૃપ સુધારણા યોજના નીચે ગયા વર્ષે કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. પરંતુ ભ્રષ્ટ એજન્સીઓ અને તંત્રની મીલીભગતથી ફક્ત એક વર્ષનાં જ ગાળામાં ફરી વખત પાઈપ લાઈનો લીકેજ થતાં પ્રજાનાં પૈસા પાણીમાં વહી રહ્યાં છે.