અમરેલી શહેરમાં લાઠી રોડ રેલવે ફાટકને નવો બી.જી. ટ્રેક વધારવાના કામ અન્વયે રોડ અને રેલવે લાઈનના ગેજ કન્વર્ઝન કામ માટે રેલવે ફાટક કામચલાઉ બંધ કરવાનું છે, આ કામગીરી આશરે ૪૫ દિવસમાં પૂર્ણ થશે. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. અમરેલી-લાઠી રોડ પર રેલવે વિભાગ દ્વારા ફાટકની બાજુમાં ૧૦ ફૂટ પહોળો ડાયવર્ઝન રુટ તૈયાર કરવામાં આવ્યો છે, તેના પરથી ટુ-વ્હીલ, થ્રી-વ્હીલ તથા નાની ફોર વ્હીલ પસાર થઈ શકે તેમ છે. ટ્રાફિકના સુચારું નિયમન માટે અને જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે ફોર વ્હીલથી ભારે વાહનોએ વાહનોના ટ્રાફિક ડાયવર્ટ રુટને અનુસરવો. મોટા ભારે વાહનોએ વૈકલ્પિક રુટ ૦૧ લાઠી રોડ બાયપાસ ચોકડીથી અમરેલી શહેરમાં લાઠી રોડ ઉપરથી પસાર થતા મોટા ભારે વાહનોએ વીર હમીરસિંહજી ગોહિલ સર્કલ થઈ નાના માચિયાળા બાયપાસ ચોકડીથી ચિતલ રોડ તરફથી અમરેલી શહેરમાં પસાર થવું. વૈકલ્પિક રુટ ૦૨ સાવરકુંડલા બાયપાસ ચોકડીથી તથા કુંકાવાવ જકાતનાકા બાયપાસ ચોકડીથી અમરેલી શહેરમાં પ્રવેશી લાઠી રોડ ઉપરથી પસાર થતાં મોટા ભારે વાહનોએ સરદાર સર્કલથી ચિતલ રોડ પરથી પસાર થવું. આ જાહેરનામું તા.૦૪ ફેબ્રુઆરી, ૨૦૨૫ સુધી અમલી રહેશે.