દર વર્ષે ૭ એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા “Healthy beginnings, Hopeful Futures” ની થીમ રાખવામાં આવી છે. અમરેલી જિલ્લાના વિવિધ આરોગ્ય કેન્દ્રોમાં આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીનો મુખ્ય હેતુ માતૃ-બાળ કલ્યાણ સેવાઓને વધુ સારી રીતે લોકો સુધી પહોંચાડવાનો અને સગર્ભા માતાઓ અને બાળકોને સ્વસ્થ રાખવાનો છે. જો સગર્ભા માતાઓ સગર્ભાવસ્થા દરમિયાન યોગ્ય કાળજી લે, તો બાળક પણ સ્વસ્થ જન્મે છે અને તેનાથી સ્વસ્થ સમાજનું નિર્માણ થાય છે. આ કાર્યમાં સામાજિક કાર્યકરો, જન પ્રતિનિધિઓ અને આરોગ્ય તંત્રનું યોગદાન મહત્વનું છે.