સાવરકુંડલાના વિરડી ગામે રહેતા જયશ્રીબેન રમેશભાઈ ડાભી (ઉ.વ.૨૭)એ દિવ્યેશભાઈ રમેશભાઈ ડાભી તથા હરેશભાઈ રમેશભાઈ ડાભી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં
જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમણે પોતાના મમ્મી મંજુલાબેનને વાત કરી હતી કે, નાની બહેન કોમલના લગ્ન થયેલ છે તેને ઉતરાયણ ઉપર વાસણની ખરીદી કરી આપીએ. જે વાત દિવ્યેશ સાંભળી ગયો હતો અને આ વહીવટ તારે કરવાનો નથી તેમ કહ્યું હતું. જેથી તેમણે કહ્યું કે, હું ઘરમાં મોટી છું, આવી વાત કરતા આરોપી હરેશ ત્યાં આવ્યો હતો અને આ બન્ને આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ગાળો આપી ઢીકાપાટુનો માર મારવા લાગ્યા હતા.
જેને વધુ મારમાંથી સાહેદ મંજુલાબેને છોડાવેલ ત્યારબાદ આરોપી દિવ્યેશે કહેલ કે, તને જેલમાં મોકલવા હું પોલીસ બોલાવું છું. જેથી તેઓ શાંતિથી ઘરે એક્બાજુ બેસી ગયા હતા. ઉપરાંત આરોપીઓએ તેમને અમારા વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરીશ તો ઘરમાં પાછી આવવા નહી દઇએ અને તને જીવતી રહેવા નહી દઇએ તેવી ધમકી આપી હતી. વંડા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ.આર. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.