આજે દેશ અને વિદેશમાં અમુલ બ્રાન્ડે પોતાની સફળતા હાંસલ કરી છે. ગુજરાત સહિત દેશના ગામડાઓમાં પશુપાલન વ્યવસાય મારફતે શ્વેત ક્રાંતિના મંડાણ સહકારી ક્ષેત્ર મારફતે થયા અને આજે રોજગારીની વિશાળ તકો ઉભી થઈ છે, દેશના લોકો માટે પ્રાચીન પરંપરાઓ હોય કે ઈતિહાસ ઉજાગર કરતી ઘટનાઓ હોય આવી ઘટનાઓ ઈતિહાસના સોનેરી અક્ષરોએ પાનાઓ ઉપર અંકિત હોય છે, પરંપરાઓ અને ઈતિહાસને ભુલવવા માટે પશ્ચિમી સંસ્કૃતિ જન-માનસ ઉપર હાવી બનતી જાય છે. કોઈપણ દેશ, સમાજ, જ્ઞાતિ-જાતિ-પરિવારો પોતાના આદર્શો, સંસ્કાર અને
સંસ્કૃતિ ભુલે છે. ક્રમશઃ તેનું પતન થાય છે.
‘દૂધ પીતા હૈ ઈન્ડીયા’એ અમુલની સ્થાપનામાં કોનો ફાળો મહત્વનો છે એ વાતો વિસરાઈ ગઈ છે. ત્યારે વાંચતા વાંચતા એવું લાગ્યું કે સંજાગના વાંચકો સમક્ષ પણ આ ઘટનાઓ મુકવા જેવી છે. મધ્ય ગુજરાતના આણંદ ખાતે તા.રર ઓકટોબર ૧૯૦૩ના રોજ કિશીભાઈ પટેલને ત્યાં દીકરાનો જન્મ થાય છે. તેનું નામ ત્રિભુવન રાખવામાં આવે છે. ખેડૂત પરિવારમાં જન્મેલા ત્રિભુવને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ આણંદમાં લીધું હતું. જયારે બાકીનો અભ્યાસ તેઓએ ગુજરાત વિદ્યાપીઠમાં કર્યો હતો. દેશ અંગ્રેજાની ગુલામીથી મુક્ત થવા માટે સ્વાતંત્ર્યતાની લડાઈ લડી રહ્યો હતો ત્યારે દેશના ક્રાંતિવીરો અને અનેક નવલોહિયા યુવાનો ભારત માતાને કેદની ઝંઝીરોમાંથી મુક્ત કરાવવા આંદોલનો ચલાવી રહ્યા હતા. તે સમયે રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરકે સત્યાગ્રહની નાની-મોટી તમામ લડતોમાં ત્રિભુવનદાસે ભાગ લીધો હતો. અને અનેક વખત જેલવાસ પણ ભોગવ્યો હતો.
૧૯૪૦ ના દાયકાઓમાં તેમણે આઝાદીના લડવૈયા અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ખેડા જિલ્લામાં ખેડૂતો અને ખેતમજૂરો સાથે કામ કરવાનું શરૂ કર્યું. અને જિલ્લાના ખેડૂતો-પશુપાલકોને પશુપાલન સાથે દૂધની આવક મળી રહે તે માટે ૧૯૪૬માં ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની સ્થાપના કરવામા આવી. ત્રિભુવનદાસ પટેલે ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘની પ્રવૃત્તિને આગળ વધારવા માટે ૧૯પ૦માં વર્ગીસ કુરીયનને નોકરી ઉપર રાખવામાં આવ્યા. ત્રિભુવનદાસ પટેલના માર્ગદર્શન અને સહકારીતાના
નેતૃત્વમાં આણંદ ખાતે ગુજરાત સહકારી માર્કેટીંગ ફેડરેશન, રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ (એન.ડી.ડી.બી.) સહિતની સંસ્થાઓની સ્થાપના કરીને ગામડાઓમાં રોજગારી અને ક્રાંતિ માટેની ખુબ મોટી ભૂમિકા ભજવી. ૧૯૬૩માં ત્રિભુવનદાસ પટેલને રેમન મેગ્સેસ એવોર્ડ કોમ્યુનિટી લિડરશીપ માટે આપવામાં આવ્યો. શ્વેત ક્રાંતિના પાયાના પથ્થર સમા ત્રિભુવનવદાસ પટેલને ૧૯૬૪માં પદ્મભુષણથી સન્માનીત કરવામાં આવ્યા. તેઓ બે વખત રાજયસભાના સભ્ય રહીને ગ્રામો-ઉત્થાન અને સહકારી પ્રવૃત્તિઓને વેગ મળે તે માટે સતત પ્રયત્ન કરતા રહ્યા હતા. અનેક સંસ્થાઓના સફળ સંચાલક રહ્યા સાથે-સાથે આઝાદીની લડતથી લઈને લોકશાહી શાસન વ્યવસ્થાના તેઓ સક્રિય આગેવાન રહ્યા. રહ્યા. અનેક સંસ્થાઓ પોતાના નેતૃત્વમાં આગળ વધી રહી હતી ત્યારે નવી પેઢીને નેતૃત્વ આપવાની નેમ સાથે ૧૯૭૦ માં રાજીનામુ આપીને સહકારી અને જાહેર ક્ષેત્રમાંથી નિવૃત્તિ લીધી હતી. સ્વૈચ્છાએ નિવૃત્તિ સમયે ખેડા જિલ્લાઓની મંડળીઓએ ૮ લાખથી વધુ રકમ એકત્રીત કરીને ભેટ આપી ત્યારે તેઓએ ખેડા જિલ્લાના બાળકો અને મહિલાઓના કલ્યાણ માટે સંસ્થા બનાવીને આ રકમ ભેટમાં આપી. આજે શ્વેત ક્રાંતિના પાયાના સ્થાપક ત્રિભુવનદાસ પટેલને નવી પેઢીએ વાંચવા રહ્યા, સમજવા રહ્યાં. તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા આણંદ ખાતે ગ્રામીણ અને પશુપાલન ક્ષેત્રના અભ્યાસક્રમો માટે ત્રિભુવન સહકારી યુનિવર્સિટી સ્થાપવા માટે સંસદમાં બિલ રજૂ થયું છે. ગુજરાત અને દેશ માટે સહકારી ક્ષેત્રની પ્રથમ યુનિવર્સિટી બનશે.

તિખારો
સંસ્કાર મેળવવાની કયાંય પાઠશાળા કે કોલેજા નથી. જયારે હિંમત કયાંય ભાડે મળતી નથી કે તેના ઈંજેકશન નથી. આ બન્ને પરિવારની ખાનદાનીમાંથી વારસામાં મળે છે.