અમેરિકાના ઓહાયો રાજ્યમાં હવે હિન્દુ વિદ્યાર્થીઓને દિવાળીની રજા મળશે. આ સાથે, તે તેના ધાર્મિક તહેવારો પર એક શૈક્ષણિક સત્રમાં વધુ બે રજાઓ પણ લઈ શકશે. અમેરિકન રાજ્યના ભારતીય અમેરિકન ધારાસભ્યે આ જાહેરાત કરી છે. તેણે કહ્યું કે મારા દ્વારા લાવવામાં આવેલ બિલને પહેલા ઓહાયો સ્ટેટ હાઉસ અને સેનેટ દ્વારા પાસ કરવામાં આવ્યું હતું. હવે ઓહિયોના ગવર્નર માઈક ડીવાઈને તેને પાસ કર્યું છે.
રાજ્યના સેનેટર નીરજ એન્ટનીએ કહ્યું કે નવા બિલને કારણે ઓહાયોમાં દરેક હિંદુ વિદ્યાર્થી ૨૦૨૫માં અને ત્યાર બાદ દિવાળી પર શાળામાંથી બે દિવસની રજા લઈ શકશે. ઓહાયોમાં હિન્દુઓ માટે આ અકલ્પનીય જીત છે. અમેરિકાના ઈતિહાસમાં ઓહિયો પ્રથમ રાજ્ય છે જ્યાં દરેક વિદ્યાર્થીઓને દિવાળીની રજા મળશે.
તેમણે કહ્યું કે અમારા કાયદા હેઠળ વિદ્યાર્થીઓને વધુ ૨ ધાર્મિક રજાઓ લેવાની મંજૂરી આપવામાં આવશે. મતલબ કે ગુજરાતી હિંદુ વિદ્યાર્થી નવરાત્રી કે અન્નકૂટ માટે એક દિવસની રજા લઈ શકે છે.બીએપીએસ ભક્ત પ્રમુખસ્વામી મહારાજ જયંતિ માટે રજા લઈ શકે છે, સ્વામિનારાયણ ભક્ત હરિ જયંતિ માટે રજા લઈ શકે છે, તેલુગુ હિન્દુ વિદ્યાર્થી ઉગાદી રજા લઈ શકે છે, તમિલ હિન્દુ વિદ્યાર્થી પોંગલ રજા લઈ શકે છે, બંગાળી હિન્દુ વિદ્યાર્થી દુર્ગા પૂજાની રજા લઈ શકે છે , પંજાબી હિંદુ વિદ્યાર્થી લોહરીની રજા લઈ શકે છે, ઈસ્કોન ભક્ત કૃષ્ણ જન્માષ્ટમીની રજા લઈ શકે છે, એમ તેમણે જણાવ્યું હતું. હવે ઓહાયોમાં કોઈપણ હિંદુ બાળકને તહેવારોને કારણે અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો નહીં પડે.
તેમણે કહ્યું કે બિલ મુજબ, રજા લેવા માટે વાલીઓએ શાળાના આચાર્યને સહી કરેલો પત્ર મોકલવો પડશે. જેમાં વિદ્યાર્થી દ્વારા લેવામાં આવતી ધાર્મિક રજાઓનો ઉલ્લેખ કરવામાં આવશે. હસ્તાક્ષરિત પત્ર શાળા વર્ષના પ્રથમ દિવસના ૧૪ દિવસની અંદર આચાર્યને મોકલવામાં આવશે. હિંદુ અમેરિકન ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ જણાવ્યું હતું કે, ઓહાયો દેશના બાકીના લોકો માટે એક ઉદાહરણ સ્થાપિત કરી રહ્યું છે કે કેવી રીતે શાળાઓ એ સુનિશ્ચિત કરી શકે છે કે તમામ વિદ્યાર્થીઓ નકારાત્મક શૈક્ષણિક પરિણામોના ડર વિના તેમના ધર્મનું સંપૂર્ણ પાલન કરી શકે. ફાઉન્ડેશન આ પહેલની પ્રશંસા કરે છે.
કોએલિશન ઓફ હિંદુઝ નોર્થ અમેરિકાના ક્લેવલેન્ડ ચેપ્ટરના ડિરેક્ટર રાકેશ રંજને જણાવ્યું હતું કે ક્લેવલેન્ડમાં તાજેતરમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓના હિંદુ માતાપિતા તરીકે, દિવાળી દરમિયાન આવું થવું આશ્ચર્યજનક છે. હવે મારા બાળકો દિવાળીની સંપૂર્ણ ઉજવણી કરી શકશે અને તેમના અભ્યાસની ચિંતા નહીં કરે. હિંદુ એક્શનના એકજિક્યુટિવ ડાયરેક્ટર ઉત્સવ ચક્રવર્તીએ જણાવ્યું હતું કે આ બિલ ૧૨૦,૦૦૦ હિંદુઓને તેમના પરિવારો સાથે તેમની પરંપરાઓ ઉજવવા, સમાવેશ અને સાંસ્કૃતિક સમજણને પ્રોત્સાહન આપવાનું સશક્ત બનાવે છે.