અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, તેમની પત્ની ઉષા અને ત્રણ બાળકો ઇવાન, વિવેક
અને મીરાબેલ સાથે, સોમવારે ભારતની ચાર દિવસની મુલાકાત દરમિયાન નવી દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરની મુલાકાત લીધી હતી. દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી, તેઓ સીધા આ વિશ્વ પ્રખ્યાત મંદિર પહોંચ્યા. મંદિરની મુલાકાત દરમિયાન જેડી વાન્સ અને તેમના પરિવારે ભારતીય કલા, પરંપરાગત હિન્દુ સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાને નજીકથી નિહાળ્યો. મંદિરના જટિલ કોતરણીવાળા સ્તંભો, ભવ્ય ગુંબજ અને કલાત્મક છત તેમને ખૂબ પ્રભાવિત કરતી હતી.
તેમણે મંદિરમાં સમાયેલ વિશ્વ શાંતિ અને એકતાના સંદેશની પણ પ્રશંસા કરી. ગેસ્ટબુકમાં પોતાનો અનુભવ શેર કરતા વેન્સે લખ્યું, ‘આ સુંદર જગ્યાએ મારા પરિવારનું સ્વાગત કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ભારત માટે ગર્વની વાત છે કે તમે આ સુંદર મંદિર ખૂબ જ ચોકસાઈ અને કાળજી સાથે બનાવ્યું છે. અમારા બાળકોને ખાસ કરીને તે ગમ્યું. ભગવાન તમારું ભલું કરે.
સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હીના હૃદયમાં સ્થિત ભારતીય સંસ્કૃતિ, આધ્યાત્મીકતા અને કલાનું એક જીવંત કેન્દ્ર છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી ૨૦૦૫ માં બંધાયેલું આ મંદિર વિશ્વ શાંતિને સમર્પિત છે અને અત્યાર સુધીમાં ૧૯૧ થી વધુ દેશોના લાખો મુલાકાતીઓને પ્રેરણા આપી ચૂક્્યું છે.આ મંદિર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ચલાવવામાં આવે છે, જે ભારતીય મૂલ્યો અને આધ્યાત્મીકતાના સંરક્ષણ તેમજ શિક્ષણ, આરોગ્ય, પર્યાવરણ અને આપત્તિ રાહત જેવા માનવતાવાદી કાર્યોમાં સક્રિય છે.
વાન્સની મુલાકાત ભારત અને અમેરિકા વચ્ચેના સાંસ્કૃતિક અને આધ્યાત્મીક સંબંધોને વધુ મજબૂત બનાવવાનું પ્રતીક હતી. મંદિરના અધિકારીઓએ તેમની મુલાકાતને બંને દેશો વચ્ચે પરસ્પર આદર અને સહિયારા મૂલ્યોનું ઉદાહરણ ગણાવ્યું.બીએપીએસ સંસ્થા, જે યુએસએમાં રોબિન્સવિલે અને યુએઈમાં અબુ ધાબીમાં સાંસ્કૃતિક સ્થળોનું સંચાલન પણ કરે છે, તેણે ઉપરાષ્ટ્રપતિ અને તેમના પરિવારને આપેલા આતિથ્યને યાદગાર બનાવવામાં કોઈ કસર છોડી નહીં. આ પ્રવાસ ફક્ત મંદિરની વૈશ્વીક માન્યતાને જ રેખાંકિત કરતો નથી, પરંતુ વિશ્વ મંચ પર ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિ અને આતિથ્યનું પ્રદર્શન પણ કરે છે.