વિશ્વની સૌથી સમર્થ અને સૌથી સમૃદ્ધ સત્તા, અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણી પરિણામો અંગે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ૫ નવેમ્બરે પરિણામો જાહેર થવાના છે, વિશ્વ સમસ્તની તેની ઉપર બાજ નજર રહેલી છે. તેવે સમયે ન્યૂયોર્કમાં બોબ સ્ટ્રીટ જર્નલ પ્રિપોલ સર્વે પ્રસિદ્ધ કરી રહ્યા છે.
નવા સર્વે પ્રમાણે ગ્રાન્ડ ઓલ્ડ પાર્ટી રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ, ડેમોક્રેટિક ઉમેદવાર અને ઉપપ્રમુખ કમલા હેરિસ કરતાં ૨ પોઇન્ટ આગળ રહ્યા છે. ૪૭ ટકા મતદારો તેઓ તરફે છે. જ્યારે ૪૫ ટકા મતદારો ભારતવંશીય કમલા હેરિસ તરફે છે.
ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં આ જર્નલે જ યોજેલા પ્રિ.પોલ સર્વેમાં હેરિસ ૨ ટકાની બઢત સાથે ટ્રમ્પથી આગળ હતાં. મતદારો ૭૮ વર્ષના ટ્રમ્પ કરતાં ૬૦માં વર્ષમાં પ્રવેશેલાં હેરિસને વધુ પસંદ કરતા હતા તેવેં તારણ મળ્યું હતું. ત્યાં એકાએક તેઓએ ૪ પોઇન્ટ ગુમાવી દીધાં છે.
એક સમયે તો હેરિસ તરફે ૫૨ ટકા મતદારો હતા, ૪૮ ટકા ટ્રમ્પ તરફે હતા. હેરીસ તો ૪ પોઇન્ટ આગળ હતાં. ત્યાં એકાએક આ પરિવર્તન આવ્યું છે. ટ્રમ્પ તરફે ૪૭ ટકા મતદારો છે જ્યારે કમલા તરફે ૪૫ ટકા મતદારો છે. સીબીએસ ન્યૂઝ જણાવે છે કે ટ્રમ્પે તેના તરફે વધુ મતદારો ખેંચ્યા છે. આ ચૂંટણી આડે બાર દિવસ બાકી રહ્યા હતા ત્યાં સુધીમાં ૩ કરોડ ૧૦ લાખ મતદારો મતદાન કરી ચૂક્યા છે. તે પૈકી ૧ કરોડ ૩૬ લાખે રૂબરૂ (જાતે જઇને) મતદાન કર્યું છે. ૧ કરોડ ૭૭ લાખે મેઇલ-ઇન-બેલટથી મતદાન કર્યું છે.
પ્રશ્ન તે છે કે આ પરિવર્તન આવ્યું શા માટે ? તો નિરીક્ષકો સૌથી પહેલું કારણ કહે છે કે તે ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટ નીતિ છે. તેઓ કહે છે કે ગમે તે ભોગે અમેરિકાનાં હિતો તો જળવાવાં જ જાઇએ. વિશ્વની સર્વપ્રથમ સત્તાનો પ્રભાવ પણ વિશ્વ ઉપર રહેવો જ જાઇએ. આ સૂત્ર અમેરિકનોને પસંદ પડી ગયું છે. બીજું, વસાહતીઓને ચાળીને આવવા દેવાની તેઓની વાત અમેરિકનોને પૂરેપૂરી ગળે ઉતરી છે. તેઓએ વિશ્વનાં છ રાષ્ટ્રોમાંથી આવતા વસાહતીઓ અમેરિકામાં આવી અમેરિકાનાં જ અન્નજળ ઉપર નભી અમેરિકાને જ અસામાન્ય નુકસાન કરે છે તે તેમની દલીલ મોટા ભાગના અમેરિકન્સ સ્વીકારે છે. હેરિસ પોતે જ ઇમિગ્રન્ટ માતા-પિતાનાં સંતાન હોઈ ઇમિગ્રન્ટસ ઉપર માનસિક રીતે જ કઠોર બની શકે તેમ નથી. તેમ ઘણા બુદ્ધિજીવી અમેરિકન્સ માને છે.
લાસ્ટ બટ નટ ધ લીસ્ટ વાસ્તવિક્તા: વિદ્યુત વેગે પલટાઈ રહેલી વૈશ્વિક પરિસ્થિતિ છે. તેલ ભંડારો ભરેલું મધ્ય પૂર્વ ભડકે બળે છે. ઇઝરાયલ હમાસ યુદ્ધમાં હીઝબુલ્લાહ ફરી તે પછી ઇઝરાયલ ઇરાન યુદ્ધના ભણકારા વાગે છે. રશિયા યુક્રેન યુદ્ધ પુરૃં થવાની આશા દેખાતી નથી. તો છે ક પૂર્વમાં ચીન તાઈવાન વચ્ચે ઝરતો ચકમક ક્યારે ભડકો કરશે તે કહી શકાય તેમ નથી. તે સંયોગોમાં ૭૮ વર્ષે પણ તલવાર ખેંચી ઊભા રહી શકે તેવા ટ્રમ્પ પ્રત્યે મતપ્રવાહ વળે તો તેમાં આશ્ચર્ય જેવું લાગશે નહીં.