ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા. શપથ લીધા બાદ પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે ‘અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ચૂક્યો છે.’ ટ્રમ્પે કહ્યું કે હવે દુનિયાનો કોઈ દેશ અમારો ઉપયોગ કરી શકશે નહીં. ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા બાદ પોતાના પ્રથમ ભાષણમાં કહ્યું, ‘અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ થઈ ગયો છે. અમે અમારી સાર્વભૌમત્વ જાળવીશું. દુનિયા આપણો ઉપયોગ કરી શકશે નહીં. અમેરિકામાં વધુ ઘૂસણખોરી નહીં થાય. આ દરમિયાન ટ્રમ્પે ફરી એકવાર મેક અમેરિકા ગ્રેટ અગેઇનના નારાનું પુનરાવર્તન કર્યું.
આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે આજનો દિવસ અમેરિકનો માટે આઝાદીનો દિવસ છે. હવે કોઈ આપણા દેશનો ઉપયોગ કરી શકશે નહીં. જે આ દેશનો ઉપયોગ કરશે તેને પાઠ ભણાવવામાં આવશે. ચૂંટણી પ્રચાર દરમિયાન તેમના પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે તેઓ માત્ર એટલા માટે બચી ગયા કારણ કે તેમને અમેરિકાને ઘણું આગળ લઈ જવાનું હતું.
ટ્રમ્પે કહ્યું, ‘આજથી આપણો દેશ ફરી સમૃદ્ધ થશે અને આખી દુનિયામાં આપણું સન્માન થશે. અમે હવે કોઈ દેશને અમારો ફાયદો ઉઠાવવા નહીં દઈએ. આપણું સાર્વભૌમત્વ ફરી પ્રાપ્ત થશે. અમારી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા ગૌરવપૂર્ણ, સમૃદ્ધ અને સ્વતંત્ર રાષ્ટ્રનું નિર્માણ કરવાની રહેશે.
રાષ્ટ્રપતિ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં ટ્રમ્પે કહ્યું, ‘અમે અમારી દક્ષિણ સરહદ પર રાષ્ટ્રીય કટોકટી જાહેર કરીએ છીએ.’ ટ્રમ્પે મક્સીકો સાથેની અમેરિકાની દક્ષિણી સરહદ પર ઘૂસણખોરી રોકવા માટે સૈનિકો મોકલવાની પણ જાહેરાત કરી છે. તેણે કહ્યું, ‘અમે ગેરકાયદેસર ઈમિગ્રન્ટ્‌સને જ્યાંથી આવ્યા હતા ત્યાંથી પાછા છોડી દઈશું. આ દરમિયાન ટ્રમ્પે કહ્યું કે તેઓ આજે ઘણા એક્ઝીક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરશે. પકડવાની અને છોડવાની પ્રથા સમાપ્ત થશે, સૈનિકોને દક્ષિણ સરહદ પર મોકલવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ ઘણા રેકોર્ડ તૂટી ગયા છે. અમેરિકાના ઈતિહાસમાં બીજી વખત યોજાયેલા ઇન્ડોર સમારોહમાં તેમણે શપથ લીધા હતા. કડકડતી ઠંડી બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકામાં કડકડતી ઠંડી હોવા છતાં તેમના સમર્થકો વોશિંગ્ટન ડીસી પહોંચ્યા હતા. ટ્રમ્પના સમર્થકો ફટાકડા ફોડી રહ્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે ફ્લોરિડાથી વિશેષ વિમાનમાં વોશિંગ્ટન પહોંચ્યા હતા. તેમની ફ્લાઇટને સ્પેશિયલ એર મિશન-૪૭ નામ આપવામાં આવ્યું હતું, કારણ કે તેઓ અમેરિકાના ૪૭માં રાષ્ટ્રપતિ છે. આ કારણથી તેની ફ્લાઈટને મિશન-૪૭ નામ આપવામાં આવ્યું હતું.
અમેરિકાના રાજકારણમાં વ્હાઇટ હાઉસ છોડ્યાના ૪ વર્ષ બાદ પુનરાગમન કરવું લગભગ અશક્ય માનવામાં આવે છે, પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પે આ અશક્યને શક્ય બનાવીને ઇતિહાસ રચ્યો છે. ટ્રમ્પે ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે શપથ લઈને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ગ્રોવર ક્લીવલેન્ડના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. ગ્રોવર ક્લેવલેન્ડ પ્રથમ અમેરિકન રાષ્ટ્રપતિ હતા, જેમણે ૪ વર્ષ સુધી વ્હાઇટ હાઉસની બહાર રહ્યા બાદ મજબૂત પુનરાગમન કરીને ૧૩૧ વર્ષ પહેલાં રેકોર્ડ બનાવ્યો હતો. ગ્રોવર ક્લેવલેન્ડ ૧૮૮૫થી ૧૮૮૯ અને ૧૮૯૩-૧૮૯૭ દરમિયાન બે વખત અમેરિકાના પ્રમુખ હતા. તેમના પછી ડોનાલ્ડ ટ્રમ્પ બીજા એવા નેતા છે જે ૪ વર્ષના અંતરાલ બાદ સત્તામાં પાછા ફર્યા છે.
ડોનાલ્ડ ટ્રમ્પની શપથ ગ્રહણ પણ પોતાનામાં એક રેકોર્ડ છે. આ વખતે યુએસ રાષ્ટ્રપતિનો શપથ ગ્રહણ સમારોહ યુએસ કેપિટોલની બહાર ખુલ્લી જગ્યાને બદલે યુએસ સંસદની અંદર કેપિટલ રોટુન્ડા હોલમાં યોજાયો હતો. કડકડતી ઠંડીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રમ્પ પહેલા ૧૯૮૫માં રોનાલ્ડ રીગને પણ ઇન્ડોર સેરેમનીમાં પદના શપથ લીધા હતા. તે સમયે પણ ખરાબ હવામાનના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ રીતે અમેરિકાના ઈતિહાસમાં ૪૦ વર્ષ બાદ રાષ્ટ્રપતિ સંસદની અંદર શપથ લીધા.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી જાહેરાતો
– અમેરિકા ફર્સ્ટ પોલિસી પર કામ કરશે.
– મક્સીકો બોર્ડર પર રાષ્ટ્રીય કટોકટીની ઘોષણા.
– અમેરિકામાં ડ્રગ્સ સ્મગલરને આતંકવાદી જાહેર કરવામાં આવશે.
– હવે અમેરિકામાં દરેકને બોલવાની સ્વતંત્રતા હશે.
– ગેરકાયદેસર વસાહતીઓને હાંકી કાઢવામાં આવશે.
– અમેરિકામાં માત્ર બે જ લિંગ હશે, પુરુષ અને †ી.
– પનામા કેનાલનું નિયંત્રણ પાછું લઈ લેશે.
– ગલ્ફ ઓફ મક્સીકોનું નામ બદલીને ગલ્ફ ઓફ અમેરિકા રાખવામાં આવશે.
– એક્સટર્નલ રેવન્યુ સર્વિસ જાહેર કરી.
– મેકસીકન બોર્ડર પર દિવાલ બનાવશે.
– ડ્રીલ બેબી ડ્રીલ પોલિસી જાહેર.
– કોઈ ભેદભાવ નહીં, પ્રતિભાને પ્રાથમિકતા.
– અન્ય દેશો પર ટેક્સ અને ટેરિફ વધારશે.
– અમેરિકામાં સેન્સરશિપ નથી.
– ચીનના વર્ચસ્વને ખતમ કરશે.
– યુએસ આર્મી તેના મિશન માટે આઝાદ છે.
– અમેરિકન સેના અન્ય દેશો સાથે યુદ્ધ
નહીં કરે.