અદાણી ગ્રૂપ સામે લાંચના આરોપો સંબંધિત સિવિલ અને ફોજદારી કેસ યુએસ ડિસ્ટીક્ટ જજ ગરોફિસને સોંપવામાં આવ્યો
(એચ.એસ.એલ),નવીદિલ્હી,તા.૩
ન્યૂયોર્કની એક અદાલતે ત્રણેય કેસની સાથે સાથે બે ચાલુ કેસો અને યુએસ ૨૬૫ મિલિયનની લાંચ લેવાનો આરોપ લગાવતા અન્ય કેસની એક સાથે સુનાવણી કરવાનો આદેશ આપ્યો છે.કોર્ટે આપેલા આદેશમાં કહેવામાં આવ્યું હતું કે ત્રણેય કેસની સુનાવણી એક જ કોર્ટમાં એકસાથે કરવામાં આવે. કોર્ટે આ નિર્ણય ત્યારે આપ્યો જ્યારે કોર્ટને જાણવા મળ્યું કે ત્રણેય કેસ સમાન આરોપો અને વ્યવહારો સાથે સંબંધિત છે. બાદમાં ત્રણેય કેસ એક જ કોર્ટને સોંપવામાં આવ્યા હતા.
આ કેસો સિંગલ જજ સમક્ષ મૂકવામાં આવ્યા છે જેથી કરીને કોઈપણ પ્રકારના સંઘર્ષને ટાળી શકાય. અદાણી ગ્રૂપ સામે લાંચના આરોપો સંબંધિત સિવિલ અને ફોજદારી કેસ યુએસ જજ ગરોફિસને સોંપવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી એકસાથે થશે પરંતુ અલગ રહેશે. આનો સીધો મતલબ એ છે કે સિવિલ અને ફોજદારી કેસોની સુનાવણી કર્યા પછી તે જ કોર્ટ આદેશ જારી કરશે.
યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન સમક્ષ દાખલ કરાયેલ સિવિલ કેસ અને ન્યૂયોર્કના પૂર્વીય જિલ્લા સમક્ષ દાખલ કરાયેલા ફોજદારી કેસ હવે ન્યાયાધીશને સોંપવામાં આવ્યા છે. પરંતુ બંને કેસને મર્જ કરવામાં આવ્યા નથી. તમને જણાવી દઈએ કે નવેમ્બરમાં અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી પર અમેરિકન વકીલોએ કથિત લાંચ લેવાનો આરોપ લગાવ્યો હતો. આ સમાચાર બાદ શેરબજારમાં અદાણી ગ્રુપના શેરોમાં ઘટાડો જાવા મળી રહ્યો છે.
તાજેતરમાં અમેરિકામાં ગૌતમ અદાણી અને તેના કેટલાક સહયોગીઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેઓએ સૌર ઉર્જાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે લગભગ ૨૩૦૦ કરોડ રૂપિયાની લાંચ આપી હતી. યુએસ પ્રોસિક્યુટર્સે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ હકીકત રોકાણકારો અને અમેરિકન બેંકોથી છુપાવવામાં આવી હતી જેમાંથી પ્રોજેક્ટ માટે નાણાં એકત્ર કરવામાં આવ્યા હતા. અદાણી ગ્રુપ વતી આ તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા. જૂથ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેઓ હંમેશા કાયદાનું પાલન કરે છે અને આવું કંઈ કર્યું નથી.