આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના નિસરાયા ગામના વતની અને અમેરિકામાં સ્થાઈ થયેલા મહેન્દ્ર પટેલ ઉર્ફે મેકદાદાએ પોતાનાં વતન નિસરાયા ગામનાં વિકાસ તેમજ શાળાનાં નિર્માણ બાદ તેનાં સંચાલન માટે ૧૦૦ કરોડની ફિકસ ડીપોઝીટનું દાન કર્યું છે,અને આ ફિકસ ડીપોઝીટની રકમમાંથી મળનાર વ્યાજની રકમમાંથી શાળાનું સંચાલન કરી બાળકોને વિનામૂલ્યે શિક્ષણ આપવામાં આવશે,૧૦૦ કરોડની રકમનું દાન કરનાર તેઓ સૌ પ્રથમ ગુજરાતી છે. ગુજરાતના ઈતિહાસમાં આજે તેઓ પોતાનાં વતન ખાતે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા તેઓનું ભવ્ય સ્વાગત કરી સન્માન કર્યું હતું.
નિસરાયા ગામની શાળામાં માત્ર ૮ ધોરણ સુધીના અભ્યાસની જ વ્યવસ્થા છે. જેથી વિદ્યાર્થીઓને ધોરણ ૮ બાદ વધુ અભ્યાસ માટે બીજા ગામમાં જવું પડે છે. બાળકોને અભ્યાસમાં પડતી આ મુશ્કેલીને જોઈ મેક દાદાએ ગામમાં અત્યાધુનિક શિક્ષણ સંકુલ બનાવવાનું નક્કી કર્યું છે.આ રકમના માત્ર વ્યાજની આવકથી જ સમગ્ર શૈક્ષણિક સંકુલનો તમામ પ્રકારનો નિભાવ ખર્ચ ખૂબ જ સરળતાથી થશે તેવું આયોજન કરાઈ રહ્યું છે. આ અત્યાધુનિક શૈક્ષણિક સંકુલમાં ધોરણ ૯થી ૧૨ સુધીના ક્લાસ હશે. જેમાં જરૂરિયાતમંદ દરેક બાળકોને રહેવાનું, જમવાનું અને ભણવાનું વિનામૂલ્યે આપવામાં આવશે.
તેમજ બાળકોને સારૂ શિક્ષણ આપી શકાય તે માટે દરેક વિષયના નિષ્ણાંત શિક્ષકોની ભરતી પણ કરવામાં આવશે.અદમ્ય સાહસિક, રસિક અને સખાવતી વ્યક્તિત્વ ધરાવનાર એનઆરઆઈ મહેન્દ્રભાઈ ચતુરભાઈ પટેલ, જેમને સૌ કોઈ મેક દાદાના હુલામણા નામથી ઓળખે છે. પટેલ કન્સલ્ટન્ટ કોર્પોરેશનના સ્થાપક અને આજીવન વિદ્યાર્થી અને ઉદ્યમી એવા મેક પટેલનો જન્મ બોરસદના નિસરાયા ગામ ખાતે વર્ષ ૧૯૩૯માં થયો હતો. વિદ્યાર્થીકાળ દરમિયાન જ તેઓએ અભ્યાસ ઉપરાંત રમતગમત ક્ષેત્રે પણ અનેક પુરસ્કારો પ્રાપ્ત કર્યા હતા. વર્ષ ૧૯૫૭માં તત્કાલીન રાષ્ટÙપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે બોમ્બે ભવન્સ કોલેજમાં મેટ્રિક કરતી વખતે રમતવીર તરીકેની તેમની સિદ્ધિઓને માન્યતા આપવા માટે વિશિષ્ટ પદક એનાયત કર્યો હતો.