અમેરિકા ફરી એકવાર યુક્રેનની મદદ માટે આગળ આવ્યું છે. યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને કહ્યું છે કે યુક્રેનને હથિયાર આપવા માટે લગભગ એક અબજ યુએસ ડોલરની વધુ સહાય આપવામાં આવશે. આ એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે બિડેન પ્રશાસન અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા મહિને સત્તા સંભાળે તે પહેલા કિવને મજબૂત કરવા માટે કોંગ્રેસ (સંસદ) દ્વારા મંજૂર કરવામાં આવેલી સંપૂર્ણ રકમ ખર્ચવા માંગે છે.
યુક્રેનને નવીનતમ સહાય હાઇ મોબિલિટી આર્ટિલરી રોકેટ સિસ્ટમ અથવા એચઆઇએમએઆરએસ માટે ડ્રોન અને દારૂગોળો પ્રદાન કરશે. યુક્રેનને હાલમાં આ હથિયારોની ખૂબ જ જરૂર છે, જે ‘યુક્રેન સિક્યોરિટી આસિસ્ટન્સ ઇનિશિયેટિવ’ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ પહેલ દ્વારા આપવામાં આવેલા શસ્ત્રનો હેતુ યુક્રેનિયન સૈન્યની ભાવિ ક્ષમતાને વધારવાનો છે અને યુદ્ધના મેદાનમાં તાત્કાલિક ફેરફારો લાવવાનો નથી.
ફેબ્રુઆરી ૨૦૨૨ માં રશિયાના આક્રમણ પછી, યુ.એસ.એ યુક્રેનને ૬૨ બિલિયન યુએસ
ડોલરથી વધુની સૈન્ય સહાય પૂરી પાડી છે. ઓસ્ટીને કહ્યું, “આ સહાય પૂરી પાડવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.” ટ્રમ્પ યુક્રેન માટે સૈન્ય સમર્થન ચાલુ રાખશે કે કેમ તે અંગે ઓસ્ટીને કહ્યું કે, “આ વહીવટીતંત્રએ પોતાની રીતે જ સહાય પૂરી પાડવાનો નિર્ણય લીધો છે.” આગળનું વહીવટીતંત્ર વધુ સહાયતા અંગે પોતાનો નિર્ણય લેશે.