મોદીની અમેરિકા યાત્રાથી ભારતને શું મળ્યું ?
કંઈ જ નહીં.
ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના પ્રમુખપદનો કાર્યભાર સંભાળ્યો પછી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર અમેરિકાની યાત્રા પર ગયા હતા. ટ્રમ્પે તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન ભારતની અમેરિકામાં નિકાસ પર જંગી ટેરિફ લાદવાની ધમકી આપી હતી પણ પ્રમુખ બન્યા પછી પહેલા ધડાકે ભારત પર ટેરિફ લાદવાનું ટાળ્યું હતું. તેના કારણે એવો આશાવાદ પેદા થયેલો કે, ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના કહેવાતા પરમ મિત્ર નરેન્દ્ર મોદી સાથેની દોસ્તી નિભાવીને ભારતનાં આર્થિક હિતોને નુકસાન કરવાનું ટાળશે અને ચીન સહિતના દેશો સામે ઉગ્ર બનતા જતા આર્થિક સર્વોપરિતાના જંગમાં ભારતને પોતાના પડખે લેવા માટે પ્રયત્ન કરશે.
આ આશા બિલકુલ ફળી નથી.
ઉલટાનું ટ્રમ્પે અમેરિકામાં ભારતની નિકાસ પર ટેરિફ લાદવાનું એલાન કરી દીધું. ટ્રમ્પે જાહેર કર્યું છે કે, ભારત અમેરિકાના માલ પર જેટલો ટેરિફ લાદશે એટલો જ ટેરિફ અમેરિકા ભારતના માલ પર લાદશે. ટ્રમ્પની આ જાહેરાત ભારતની નિકાસને મોટો ફટકો મારનારી સાબિત થશે કેમ કે ભારતના માલ પર વધારાના ટેરિફના કારણે અમેરિકામાં ભારતના માલની પડતર કિંમત ઉંચી થઈ જાય. ચીન સહિતના દેશો અમેરિકામાં સસ્તો માલ ઠાલવે છે. અમેરિકાએ તેમના પર પણ ટેરિફ લાદ્યા છે પણ ભારતના માલ પર પણ ટેરિફ લદાતાં ભારતનો માલ મોંઘો થઈ જાય અને તેનું કોઈ લેવાલ ના રહે.
ટ્રમ્પે અમેરિકાને ફાયદો થાય એવાં બીજા પણ કેટલાક નિર્ણયો લેવાની મોદીને ફરજ પાડી છે. અમેરિકા ભારત પાસેથી વધારે પ્રમાણમાં ક્રુડ-ગેસ ખરીદીને વેપાર ખાધ ઘટાડે અને ભારતને એફ-૩૫ ફાઈટર જેટ સહિતનો ડિફેન્સનો માલ આપે એવા કરાર કરવામાં પણ ટ્રમ્પ સફળ રહ્યા છે. બદલામાં ટ્રમ્પે ભારતને કોઈ રાહત આપી નથી એ જોતાં અમેરિકાની મોદીની મુલાકાત ભારતના ફાયદામાં નથી જ.
ભારત ટ્રમ્પને ખુશ કરી શકે તેમ નથી.
ટ્રમ્પ અમેરિકાથી ભારતમાં આવતા માલ પર સાવ સામાન્ય ડ્યુટી લગાવાય એવું ઈચ્છે છે. ટ્રમ્પ ભારતમાં લેવલ પ્લેઈંગ ફિલ્ડ ઈચ્છે છે ને તેના ભાગરૂપે ટ્રમ્પને અમેરિકાના માલ પર ભારતમાં માત્ર ૫ ટકા ડ્યુટી જોઈએ છે. બીજા વિશ્વયુધ્ધમાં હારી ગયેલા જાપાન, દક્ષિણ કોરિયા સહિતના દેશો અમેરિકાના તાબેદાર થઈને રહ્યા છે. જાપાન અને તાઈવાન સહિતના દેશો ચીન સાથેની દુશ્મનાવટના કારણે પણ અમેરિકા પર નિર્ભર છે તેથી અમેરિકાનાં આર્થિક હિતો સાચવ્યા વિના છૂટકો નથી. બીજા વિશ્વયુદ્ધમાં યુરોપના દેશો પણ અમેરિકાના સાથી હતા તેથી જાપાન, દક્ષિણ કોરિયા વગેરે અમેરિકા અને યુરોપીયન યુનિયનથી આવતા માલ પર ૩ ટકાથી ૫ ટકા કસ્ટમ્સ ડ્યુટી લગાવે છે.
ટ્રમ્પ ઈચ્છે છે કે, ભારતમાં પણ અમેરિકાથી આવતા માલ પર ૩ થી ૫ ટકા ડ્યુટી લગાવાય પણ ભારત માટે એ શક્ય નથી. ભારતે પોતાની કંપનીઓના હિત સાચવવાના છે અને સરકારને બીજા ખર્ચા માટે આવક પણ જોઈએ. ભારત માટે વિદેશથી આવતા માલ પર લગાવાતી ડ્યુટીની જંગી આવક છે તેથી ભારત પાંચેક ટકા જેટલી ઓછી ડ્યુટી લગાવીને આવક ના ગુમાવી શકે.
ભારત ટ્રમ્પને રાજી કરવા એવું કરવા જાય તો ભારતની કંપનીઓ બંધ થઈ જાય અને ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગુલામ થઈ ગયેલા એ રીતે અમેરિકાના ગુલામ થઈ જઈએ. ભારત અમેરિકાના માલ પર ૩ થી ૫ ટકા ડ્યુટી લગાવે તો અમેરિકાનો થોકબંધ માલ ભારતમાં ઠલવાવા માંડે અને આપણી કંપનીઓને તાળાં મારવા પડે. ભારતમાં મેન્યુફેક્ચરિંગ પર નભતા કરોડો લોકો બેરોજગાર થઈ જાય ને અર્થતંત્ર સાવ પડી ભાંગે.
ટ્રમ્પને રાજી રાખવા એ રીતે પણ શક્ય નથી કે ટ્રમ્પ જૂઠાણાં ચલાવે છે.
ભારત અમેરિકાના માલ પર ૧૦૦ ટકા ટેક્સ લગાવે છે એવો આક્ષેપ ટ્રમ્પ કરે છે પણ આ આક્ષેપ સાવ ખોટો છે. દુનિયાના બધા વિકાસશીલ દેશો બીજા દેશોમાંથી આવતા માલ પર ૧૫ ટકાની આસપાસ ઈમ્પોર્ટ ડ્યુટી લગાવે છે. ભારતમાં સરેરાશ ઈમ્પોર્ટ ડ્યુટી ૧૭ ટકા છે એ જોતાં માત્ર બે ટકા ડ્યુટી વધારે છે. બ્રાઝિલમાં વિદેશી માલ પર સરેરાશ ડ્યુટી ૧૩ ટકા અને દક્ષિણ કોરિયામાં ૧૩.૪૦ ટકા છે. દુનિયાભરના દેશો પોતાના ઉદ્યોગોને રક્ષણ આપવા માટે વિદેશી માલ પર ઈમ્પોર્ટ ડ્યુટી લગાવે છે અને ભારત પણ એ જ કરે છે તેથી ભારત કશું ખોટું કરતું નથી.
ટ્રમ્પ ભૂતકાળમાં પણ ભારતને નડ્યા છે.
૨૦૧૭માં ટ્રમ્પ પહેલી વાર પ્રમુખ બન્યા ત્યારે ટ્રમ્પે ભારતના હિતોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું હતું. અમેરિકામાં વરસોથી વિકાસશીલ દેશોને આર્થિક મદદ કરવા જનરલાઈઝ્ડ પ્રેફરેન્શિયલ સિસ્ટમ (જીપીએસ) અમલી છે. જીપીએસ હેઠળ વિકાસશીલ દેશોના ઉત્પાદનો પર અમેરિકામાં કોઈ ટેક્સ લાગતો નથી.
ભારતે વિકાસશીલ દેશ તરીકે વરસો સુધી જીપીએસનો લાભ લઈને અમેરિકામાં કરોડોની નિકાસ કરી હતી. ૨૦૧૮માં ડોનાલ્ડ ટ્રમ્પે ભારતને જીપીએસમાંથી બહાર કાઢી દેતાં ભારતને નિકાસમાં ૫૬૦ કરોડનો ફટકો પડી ગયો હતો. ટ્રમ્પે એચવન-બી વિઝા માટેના નિયમો પણ બદલી નાખ્યા હતા. ભારત માટે આઈટી કંપનીઓને અમેરિકામાંથી મળતા કોન્ટ્રાક્ટ અને આઉટસોર્સિંગ બહુ મહત્વના છે. ભારતને તેના કારણે વિદેશી હૂંડિયામણ પણ મળે છે અને મોટા પ્રમાણમાં રોજગારી પણ મળે છે. ટ્રમ્પે એચવન-બી વિઝાના નિયમો બદલીને ભારતીય આઈટી કંપનીઓને મોટો ફટકો મારી દીધો હતો.
કમનસીબે ટ્રમ્પની ભારતવિરોધી નીતિ છતાં મોદી ટ્રમ્પની આગળપાછળ જ ફરતા રહ્યા ને ટ્રમ્પને પોતાના ખાસ મિત્ર ગણાવતા રહ્યા. મોદીએ ૨૦૨૦માં ટ્રમ્પને ફરી જીતાડવા માટે અમેરિકામાં હાઉડી મોદી ને અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ એવા બે મોટા કાર્યક્રમો પણ કરેલા. એ વખતે ટ્રમ્પ જીતી ના શક્યા પણ મોદીએ તેમને જીતાડવા મહેનત કરેલી એ વાત ભૂલી ગયા. ટ્રમ્પે આ વખતની ચૂંટણીના પ્રચારમાં ભારતને ગાળો દેવામાં કોઈ કસર છોડી નહોતી અને હવે પ્રમુખ બન્યા પછી ભારતને ભીંસમાં મૂકવામાં કોઈ કસર નથી છોડી રહ્યા.
ટ્રમ્પ ખોટા છે ?
બિલકુલ નહીં.
ટ્રમ્પ જે કંઈ કરી રહ્યા છે એ અમેરિકાના હિતમાં કરી રહ્યા છે ને ભારતે આ વાત સમજીને ભારત માટે શું મહત્વનું છે, ભારતનું હિત શેમાં છે એ વિચારવું જોઈએ. ટ્રમ્પનું સપનું અમેરિકાને ફરી દુનિયાનો સૌથી તાકાતવર દેશ બનાવવાનું છે તેથી ટ્રમ્પે મેઈક અમેરિકા ગ્રેટ અગેઈન (MIGA) સૂત્ર આપ્યું છે. અમેરિકા યાત્રા દરમિયાન મોદીએ તેની કોપી કરીને મેઈક ઈન્ડિયા ગ્રેટ અગેઈન (MEGA) સૂત્ર આપી દીધું. મોદીએ દાવો કર્યો કે, (MIGA) અને (MIGA) ભેગા મળીને સ્ઈય્છ સર્જશે. મતલબ કે, બંને દેશો સાથે મળીને જબરદસ્ત વિકાસ કરી શકશે.
આ પ્રકારના સૂત્રો ને વાતો તાળીઓ પાડવા માટે બરાબર છે પણ વાસ્તવિક રીતે એ શક્ય નથી બનવાનું કેમ કે અમેરિકા અને ભારત બંનેના હિતો જળવાય એ રીતે કામ કરી શકે તેમ નથી. બલ્કે અમેરિકાને ફરી મહાન બનાવવાના સપના આડે જે દેશો આવી રહ્યા છે તેમાં ભારત પણ એક છે.
અત્યારે અમેરિકાની સર્વોપરિતા સામે વૈશ્વિક સ્તરે બહુ બધા પડકારો છે. અમેરિકા સામે ઈરાન, ઉત્તર કોરિયા સહિતના ઘણા દેશો બાંયો ચડાવી રહ્યા છે. અમેરિકાને તેમની પરવા નથી કેમ કે લશ્કરી રીતે આ દેશોની અમેરિકા સામે કોઈ હૈસિયત નથી. બીજું એ કે, અમેરિકાનો અસલી પાવર તેની આર્થિક તાકાત છે અને આ દેશો અમેરિકાને આર્થિક તાકાતના મામલે દૂર દૂર સુધી પણ પડકારી શકે તેમ નથી.
અમેરિકાની દુનિયા પર દાદાગીરી મની પાવરના જોરે છે. બીજા વિશ્વયુધ્ધથી દુનિયા પર અમેરિકાનો પ્રભાવ દુનિયા પર વધ્યો અને છેલ્લા આઠ દાયકાથી અમેરિકા દુનિયામાં સર્વોપરિતા ભોગવે છે. અમેરિકા સામે અત્યાર સુધી કોઈ પડકાર નહોતો અને અમેરિકાના ડોલર સામે દુનિયાના બધાં ચલણ પાણી ભરતાં.
અમેરિકાનો ડોલર આજે પણ દુનિયામાં સૌથી તાકાતવર મનાય પણ છેલ્લાં કેટલાંક વરસોમાં તેની સામે પડકાર ઉભો થયો છે. રશિયા અને ચીન ધરી બનાવીને ડોલરને સમાંતર વૈશ્વિક ચલણ ઉભું કરવા મથી રહ્યા છે. આ મથામણમાં સૌથી મહત્વનું કદમ બ્રિક્સ છે.
બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને સાઉથ આફ્રિકા એ પાંચ દેશોના બનેલા સંગઠન ‘બ્રિક્સ’ને કારણે અમેરિકાની આર્થિક સર્વોપરિતા સામે સૌથી મોટો પડકાર છે. ભારત બ્રિક્સમાં મહત્વનો સાથી દેશ હોવાથી અમેરિકાની સર્વોપરિતાને પડકારવામાં ભારતનું યોગદાન પણ છે તેથી ટ્રમ્પ ભારતને દબાવવા મથે છે.
અલબત્ત ભારત સોફ્ટ ટાર્ગેટ છે એ વાસ્તવિકતા છે અને તેનાથી બચવા ભારતે હાર્ડ બનવું પડે. અમેરિકા પરની નિર્ભરતા ઘટાડવી પડે.