સમાચાર આમ તો જૂના છે, પરંતુ અત્યારે મધ્ય-પશ્ચિમમાં જે સ્થિતિ નિર્માણ થઈ છે તેના કારણે આ મહ¥વના છે. અને એ વખતે તે સમાચાર આવ્યા હશે તો પણ અંધશ્રદ્ધાના નામે ઘણાનું ધ્યાન નહીં પડ્યું હોય. સમાચાર એ છે કે ઇઝરાયેલમાં કથ્થાઈ રંગની વાછરડીનો જન્મ થયો. આ સમાચાર ૨૦૧૮ના છે. તે સમયે સ્વાભાવિક જ આટલી ગંભીર સ્થિતિ નહોતી તેથી કોઈને વાત ગળે ઉતરી ન હોય. ૨૦૧૮ના સમાચાર પ્રમાણે, ઇઝરાયેલમાં ૨૦૦૦ વર્ષમાં પહેલીવાર કથ્થાઈ રંગની વાછરડીનો જન્મ થયો. આમ તો તેને અંગ્રેજીમાં રેડ હેફર (Red Heifer) કહે છે, પરંતુ યહૂદી પંથની માન્યતા પ્રમાણે તે કથ્થાઈ રંગની લાલ હોવી જોઈએ. કથ્થાઈ વાછરડીનો જન્મ થયો તેમ નહીં, પરંતુ તે અવતરિત થઈ છે તેમ સમાચારમાં લખવામાં આવ્યું હતું. દૈવીય તત્વ જન્મતું નથી, અવતરિત થતું હોય છે. સમાચારમાં જેરુસલેમના ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટે જણાવ્યું છે કે નવજાત વાછરડીનું ગહન પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તે સંપૂર્ણ પણે શાસ્ત્રોમાં જેવું વર્ણન કરાયું છે તેવી કથ્થાઈ વાછરડી છે કે નહીં. પરંતુ ૨૦૨૪નો એપ્રિલ આવતા-આવતાં ઇસ્લામિક દેશોમાં લોકોના ધબકારા વધવા લાગ્યા. કટ્ટર ઇસ્લામિક સમાચાર વેબસાઇટ જેના પત્રકારોને ઇઝરાયેલે લાત મારીને કાઢી મૂક્યા તે ‘અલ જઝીરા’ પર ગત ૯ એપ્રિલે ‘What do Texan red heifers have to do with Al Aqsa and a Jewish temple?’ શીર્ષક હેઠળ સમાચાર છપાયા તેમાં આ ભય સ્પષ્ટ દેખાઈ આવ્યો.
તેમાં લખવામાં આવ્યું હતું કે પાંચ અણિશુદ્ધ લાલ વાછરડી જે કોઈ પણ પ્રકારની ખામીવાળી નથી, જેણે ક્યારેય કામ નથી કર્યું, હજુ ગર્ભવતી નથી બની, જેને દોહવામાં નથી આવી અને યાક (ધૂંસરી) નથી પહેર્યું. આ લાલ વાછરડીઓ બહુ જૂની વિધિ કરવા માટે અતિ રાષ્ટ્રવાદી યહૂદીઓ દ્વારા લાવવામાં આવી છે. તેઓ અલ અક્સા મસ્જિદનો નાશ કરવા માગે છે. પેલેસ્ટાઇનીઓને (મુસ્લિમોને) સદા ડર રહ્યો છે કે ઇઝરાયેલ ગમે ત્યારે આ અલ અક્સા મસ્જિદનું આધિપત્ય લઈ લેશે. ઈ. સ. ૧૯૬૭માં ઇઝરાયેલે પૂર્વ જેરુસલેમ, પશ્ચિમ કિનારો અને ગાઝાનું આધિપત્ય (તે લોકોના મત પ્રમાણે અવૈધ રીતે, પરંતુ વર્ષો પહેલાં યહૂદીઓ ત્યાં રહેતા જ હતા, મુસ્લિમોના આક્રમણથી તેમને ત્યાંથી ભાગવું પડ્યું હતું અને આખી દુનિયામાં તેમના પર ત્રાસ ગુજરાયા પછી ૧૯૪૮માં સંયુક્ત રાષ્ટ્રએ તેમને પોતાની ભૂમિ પાછી રહેવા માટે આપી) લઈ લીધું તે પછીથી આ ભય વધુ ગાઢ બન્યો છે. એમાંય અલ અક્સા આજુબાજુ યહૂદીઓની વધતી જતી સંખ્યા અને ઇઝરાયેલી સુરક્ષા દળો દ્વારા તાજેતરનાં વર્ષોમાં પેલેસ્ટાઇનીઓ પરનાં આક્રમણોથી ભય ઓર વધી ગયો છે. યહૂદીઓની એક સંસ્થા છે – ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટ. તેના તર્ક પ્રમાણે, જ્યાં સુધી અલ- અક્સા મસ્જિદનો ધ્વંસ ન કરાય અને આ મંદિરમાં સેવા આપવા તત્પર સેંકડો પુરોહિતો દ્વારા પુષ્પોના હાર અને વાસણોની મદદથી આંગણું ચોખ્ખું ન કરાય ત્યાં સુધી ત્યાં ત્રીજું મંદિર બાંધી નહીં શકાય. આ શુદ્ધિકરણ બલિ આપેલ આ લાલ વાછરડીના અસ્થિ, લાલ દોરો, દેવદારનું વૃક્ષ, ફૂદીનાના પરિવારનો એક નાનકડો છોડ જેને હાઇસૂપ કહે છે તેના મિશ્રણ દ્વારા આંગણું શુદ્ધ કરવામાં આવે છે. આ શુદ્ધિકરણ ઓછામાં ઓછું સોએક વર્ષ સુધી પ્રભાવી રહે છે. તેમાં પવિત્ર ભૂગર્ભ જળ પણ મિશ્ર કરવામાં આવે છે. ટેમ્પલ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના ઈ. સ. ૧૯૮૭માં કરવામાં આવી ત્યારથી યહૂદીઓ લાલ અથવા તો કહો કે કથ્થાઈ વાછરડીની શોધ કરતા રહ્યા છે. એક વાર તો પૈસા એકત્ર કરીને આઈવીએફ દ્વારા તેને જન્માવાનો પ્રયાસ કરાયો અને તેની સાથે વિશ્વભરમાં તેને શોધવાનું અભિયાન આદરાયું હતું. ૨૦૨૨માં અમેરિકાના ટેક્સાસના એક ઇવાન્જેલિકલ ખેડૂતે પાંચ વાછરડી દાનમાં યહૂદીઓને આપી અને તેને વિમાન દ્વારા ઇઝરાયેલ લાવવામાં આવી. હવે, જીવતા પશુઓને આ રીતે બહાર મોકલી ન શકાય તેવો નિયમ છે. તેથી તેને પાળીતા પશુ તરીકે લાવવામાં આવી. સમાચારમાં એમ પણ લખાયું હતું કે ઓલિવ્સ પર્વત પર જમીનનો એક ટુકડો મેળવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. ત્યાંથી અલ અક્સા પરિસર દેખાય છે અને પુરોહિત વાછરડીની બલિ દીધા બાદ તેનું લોહી બાઇબલમાં જણાવ્યા પ્રમાણે, અલ અક્સામાં છાંટી શકશે. એક ઇઝરાયેલી સ્વૈચ્છિક સંસ્થા ઇર અમીમ મુજબ, ટેમ્પલ મૂવમેન્ટ ઇઝરાયેલી સરકારના સહયોગથી લાલ વાછરડીઓનું બલિદાન આપવા તૈયારી કરી રહી છે. ઇઝરાયેલી સરકારના જેરુસલેમ બાબતો અને વારસા મંત્રાલયના મહાનિર્દેશક નેતાનેલ ઇઝાકે સપ્ટેમ્બર ૨૦૨૨માં બેન ગુરિયોન વિમાન મથક પર આ લાલ વાછરડીઓના આગમન વખતે સ્વાગત કરતું ભાષણ આપ્યું હતું અને કહ્યું હતું કે મંત્રાલય આૅલિવ્સ પર્વતના વિકાસ માટે નાણાં આપી રહ્યું છે. આ તો થઈ ૨૦૨૨ની વાત, પરંતુ ૨૦૨૪ના જાન્યુઆરીમાં બોનેહ ઇઝરાયેલની વેબસાઇટ પર મૂકવામાં આવેલા વીડિયોમાં એક ખ્રિસ્તી ઉપદેશક માઇકલ સેમ્યુઅલ સ્મિથ જે ટેમ્પલ પ્રાફેસી લાવવા માગે છે તેણે કહ્યું હતું કે તેઓ શિલોહમાં ઉછેરી રહ્યા છે તે લાલ વાછરડીઓ હવે બલિ આપી શકાય તેવડી વયની થઈ ગઈ છે. “૨,૦૦૦ વર્ષમાં પહેલી વાર લાલ વાછરડીઓ મળી છે અને અમારો મત છે કે પ્રથમ લાલ વાછરડીનું બલિદાન ૨૦૨૪ના વસંતમાં યહૂદીઓના પવિત્ર તહેવાર પાસઆૅવર આસપાસ અપાશે. અમે એવું માનીએ છીએ કે આ જે કાર્યક્રમ થશે તેના દ્વારા ઈશ્વર પોતાને બહાર લાવશે.” આ તો થઈ એપ્રિલ ૨૦૨૪ની વાત. અલ જઝીરાએ એપ્રિલ ૨૦૨૪માં આ સમાચાર આપ્યા. તે પછી શું થયું? ભારતની એક ઇસ્લામિક સમાચારની વેબસાઇટ છે ‘સિયાસત’. તેના પર ૮ આૅગસ્ટ ૨૦૨૪ના દિને મૂકાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ઇઝરાયેલી યહૂદી લોકો અલ અક્સા મસ્જિદ પાસે લાલ વાછરડીઓનો બલિ આપવાની તૈયારી કરી રહ્યા છે. આ જ પ્રકારનો અહેવાલ ‘મિડલ ઇસ્ટ આય’ નામની વેબસાઇટે પણ આપ્યો છે. હવે આખી વાત સમજીએ કે આ વિધિનું કેમ આટલું મહત્વ છે? વાસ્તવમાં ખ્રિસ્તી અને ઇસ્લામ પંથ યહૂદીમાંથી જ જન્મ્યા છે. ત્રણેયને અબ્રાહમિક પંથ કહેવામાં આવે છે. એટલે કે ખ્રિસ્તીના પિતા અને ઇસ્લામના દાદા યહૂદી છે. તાજેતરમાં લેબેનોનમાં રહીને ઇઝરાયેલ પર લેવાદેવા વગર આક્રમણ કરે રાખતા શિયા મુસ્લિમોના ત્રાસવાદી સંગઠન હિઝબુલ્લાના ત્રાસવાદીઓના પેજર, કારની બેટરી, સૌર યંત્રો, વાકીટાકીમાં બે દિવસ ઉપરાઉપરી ધડાકાઓ ઇઝરાયેલમાં બેઠાબેઠા કરાવીને ઇઝરાયેલે સાબિત કરી દીધું કે તમારા દાદા અમે છીએ કારણકે આપણે જાણીએ છીએ કે જિહાદી ત્રાસવાદીઓએ ભારતમાં આવા અનેક બામ્બ ધડાકા એક સાથે કર્યા હતા. તેઓ ઇઝરાયેલને પણ એટલા જ કવરાવે છે. સુખેથી જીવવા નથી દેતા યહૂદીઓને. એટલું જ નહીં, પણ લડાઈ પેલેસ્ટાઇનીઓ અને યહૂદીઓની છે, તેમાં શિયા મુસ્લિમોના આ ત્રાસવાદી સંગઠનને નહીં નહાવાના, નહીં નીચોવાના સંબંધ છતાં કૂદી પડ્યા. અને વળી અમેરિકાથી લઈને ભારત સુધી, મુસ્લિમો પેલેસ્ટાઇનીઓના સમર્થનમાં દેખાવો કરે. વળી, આલિયા ભટ્ટ જેવા ઉર્દૂવુડના કલાકારોને પણ ફરજ પાડે કે ‘આૅલ આય્ઝ આૅન ગાઝા’ હેશટૅગથી ટ્રેન્ડ ચલાવો, નહીં તો કલાજગતમાં કામ નહીં મળે. આજે સ્થિતિ ઇઝરાયેલે એવી કરી છે કે આ કલાકારોને સૂઝતું નથી કે ‘આૅલ આય્ઝ આૅન ગાઝા’ હેશટેગ ચલાવવો કે ‘આૅલ આય્ઝ આૅન બૈરુત’. બૈરુત લેબેનોનનું પાટનગર છે જેમાં ઘૂસીને ઇઝરાયેલના સુરક્ષા દળો હિઝબુલ્લાના ત્રાસવાદીઓને શારીરિક રીતે પણ મારી રહ્યા છે. હવે ફરી લાલ વાછરડીની વાત કરીએ. યહૂદીઓના ગ્રંથને આૅલ્ડ ટેસ્ટામેન્ટ (મૂળ બાઇબલ અથવા ઇઝરાયેલની ભાષા હિબ્રૂ પરથી હિબ્રૂ બાઇબલ) કહેવાય છે. યહૂદીઓનું સોલોમન (તેના પરથી જ સુલેમાન અને સલમાન નામ આવ્યું) મંદિર હતું જેમાં બાર બળદની મૂર્તિ હતી. પ્રાચીન મેસોપાટેમિયન પંથના નેબુચંડનેઝર દ્વિતીય નામના રાજાએ તેનો નાશ કરી નાખ્યો. આ સોલોમનના મંદિરને પ્રથમ મંદિર ગણવામાં આવે છે. તે પછી બીજું મંદિર બાંધવામાં આવ્યું. તેને મહાન હેરોડે વિસ્તાર્યું. તેથી તે હેરોડના મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર યહૂદીઓની પૂજા, બલિ અને સામુદાયિક એકત્રીકરણ માટે મુખ્ય મંદિર હતું. રોમનોએ બીજા મંદિરનો નાશ કરી નાખ્યો. આથી યહૂદીઓ ફરીથી મંદિર બનાવવા માગે છે. આ મંદિર ત્રીજી વાર બનશે તેથી તેને ત્રીજા મંદિર (થર્ડ ટેમ્પલ) તરીકે ઓળખવામાં આવે છે. ખ્રિસ્તીઓમાં પેટા સંપ્રદાય એવાન્જેલિકલ પણ છે. તે આને વિશ્વનો અંત સમય માને છે. યહૂદીઓના મત મુજબ, લાલ વાછરડીનો જન્મ એટલે મસીહાનો જન્મ. મુસ્લિમો માને છે કે યહૂદીઓ આ પછી અલ અક્સા મસ્જિદનો નાશ કરી નાખશે. તેમની ભાષામાં શહીદ. અલ અક્સા મસ્જિદ મુસ્લિમો માટે મક્કા અને મદીના પછી ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે. અત્યાર સુધી ઇઝરાયેલ સરકારે અલ અક્સા મસ્જિદમાં યહૂદીઓ દ્વારા પ્રાર્થના કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. મુસ્લિમો માને છે કે મોહમ્મદ પયગંબર આ મસ્જિદના રસ્તે જ સ્વર્ગ (જન્નત) ગયા હતા. એટલે જ લાલ વાછરડીના મળવાથી ઇસ્લામિક જગત અદ્ધર શ્વાસે છે. હવે વાત કરીએ ફિક્કા ઘોડાની જેના કારણે ખ્રિસ્તી જગત અદ્ધર શ્વાસે છે. તાજેતરમાં પેરિસ આૅલિમ્પિક યોજાઈ. તેમાં ઉદ્ઘાટન અને સમાપન સમારંભો યોજાયા. સામાન્ય રીતે આવા સમારંભોમાં માત્ર મનોરંજન પીરસાતું હોય છે. પરંતુ આ વખતે આ સમારંભો સભ્ય સમાજ માટે અસભ્ય રહ્યા, કુટુંબ વ્યવસ્થાને નષ્ટ કરવાનું બીડું ઝડપનાર વિકૃત એલજીબીટીક્યૂ પ્લસ લોકોનો એજન્ડા તેમાં ઘૂસાડાયો. ઉદ્ઘાટન સમારંભમાં જિસસ ક્રાઇસ્ટ એટલે કે ઈશુ ખ્રિસ્તના લાસ્ટ સપર (છેલ્લું ભોજન)ની આ એલજીબીટીક્યૂના લોકો દ્વારા હાંસી ઉડાવવામાં આવી. આવું જો ઇસ્લામની માન્યતાઓ સાથે થયું હોત તો આ બધા લોકોના ધડ પર માથાં ન હોત, પરંતુ હવે ખ્રિસ્તીઓ હિન્દુઓની જેમ સહિષ્ણુ થઈ ગયા છે અથવા ડાબેરીઓએ તેમને શિક્ષણ, કલાજગત અને ન્યૂઝ મીડિયા દ્વારા કરી નાખ્યા છે. આ વિકૃત લોકો લાસ્ટ સપરની મિમિક્રી કરતા આવ્યા અને અંતમાં તેમણે આવા ત્રણ જણા સેક્સ કરતા હોય તેવું બતાવ્યું! ખ્રિસ્તીઓ માને છે કે આ લોકો હેડોમોનિઝમ સાથે સંકળાયેલા હતા. હેડોમોનિઝમ એવો વાદ છે જેમાં લોકો માને છે કે માત્ર અને માત્ર આનંદ કરો. કેટલાક ગુજરાતી બુદ્ધુજીવીઓ પણ આ પ્રકારના વિચારો ફેલાવવામાં લાગેલા છે. સમાપન સમારંભમાં ‘ગાલ્ડન વાયેજર’ અને સેમોથ્રેસ સ્ટેચ્યૂ બતાવવામાં આવ્યું. માથા વગરનો એક પાંખ વાળો દૂત આકાશમાં ઊંચે ઊડી રહ્યો છે જેને શેતાન સોનેરી પાંખોવાળું પક્ષી જોઈ રહ્યું છે તેવું બતાવવામાં આવ્યું. ખ્રિસ્તીઓ માને છે કે આ બધાનો શેતાન (કાચો ભાવાર્થ દુષ્ટાત્મા) સાથે સંબંધ છે. સોવિયેત સંઘ તરીકે સામ્યવાદીઓને જેને પંથથી દૂર રાખ્યું હતું તે રશિયાનાં વિદેશ પ્રધાન મારીયા ઝાખારોવાએ તો આનો કડક વિરોધ કર્યો કે “આૅલિમ્પિક રમતોમાં ઉદ્ઘાટન સમારંભ કરતાંય સમાપન સમારંભ બહુ જ ખરાબ હતો. તેમાં દેખીતી રીતે શેતાનિક બાબતો હતી.” આ ઉપરાંત પેરિસ આૅલિમ્પિકના ઉદ્ઘાટન સમારંભમાં ‘ફિક્કા’ (પેલ) ઘોડા પર ઘોડેસવાર બતાવાયો. આ ફિક્કો ઘોડો પણ મૃત્યુનું પ્રતીક છે. બાઇબલમાં લખાયું છે, “અને મેં એક ફિક્કો ઘોડો જોયો, તેને પકડ્યો, તેના ઘોડેસવારનું નામ મૃત્યુ છે અને હેડેસ તેની પાછળ ગયો, તેમને પૃથ્વીના ચતુર્થાંશ ભાગની સત્તા આપવામાં આવી, તલવાર અને દુષ્કાળ, મહામારી અને વિકરાળ પશુઓ દ્વારા મારી નાખવા માટેની.” લાલ વાછરડી, આ ગાલ્ડન વાયેજર અને સેમોથ્રેસ સ્ટેચ્યૂ, તેમજ ફિક્કા ઘોડાની બાબતો પણ દુનિયાનો અંત સમય હવે નજીક આવી ગયો છે તેનું પ્રતીક છે તેમ ઇસ્લામિક અને ખ્રિસ્તી પંથ માને છે. જો ઇઝરાયેલ પર હમાસ, હિઝબુલ્લા અને હનિયા-નસરલ્લાહની હત્યા પછી ઈરાને કરેલા મિસાઇલ આક્રમણ અને તેનો ઇઝરાયેલે આપેલો જડબાતોડ ઉત્તર કોઈ સંકેત હોય, યુક્રેઇન-રશિયા વચ્ચે યુદ્ધ કોઈ સંકેત હોય તો કદાચ, લાલ વાછરડી, ગાલ્ડન વાયેજર, સેમોથ્રેસ સ્ટેચ્યૂ અને ફિક્કા ઘોડાની માન્યતા સાચી હોઈ શકે છે. jaywant.pandya@gmail.com
૨૦૦૦ વર્ષમાં પહેલી વાર યહૂદીઓને પાંચ લાલ વાછરડીઓ મળી છે. મુસ્લિમો માને છે કે આ લાલ વાછરડીનું મળવું તેમના માટે અશુભ છે. તો પેરિસ આૅલિમ્પિકના ઉદ્ઘાટન અને સમાપન સમારંભમાં ગાલ્ડન વાયેજર અને ફિક્કા ઘોડાનો સંકેત દુનિયાનો અંત હોવાનું ખ્રિસ્તી પંથીઓ માને છે.