સીરિયામાં બશર અલ-અસદ સરકાર પડી ગઈ છે. અસદ દેશ છોડીને ભાગી ગયા બાદ સીરિયા મુશ્કેલીમાં મુકાઈ રહ્યું છે. પહેલા અમેરિકાએ સીરિયા પર બોમ્બમારો કર્યો અને પછી ઈઝરાયેલે રોકેટ હુમલા કર્યા. હવે તુર્કી પણ આમાં પાછળ નથી. તુર્કીએ પૂર્વ સીરિયાના અનેક વિસ્તારોમાં ડ્રોન હુમલા કર્યા છે, જેમાં છ બાળકો સહિત ૧૨ નાગરિકોના મોત થયા છે. તુર્કી દળોએ સીરિયાના ઉત્તરીય વિસ્તાર મનબીજ પર પણ કબજા કરી લીધો છે.
તમને જણાવી દઈએ કે કુર્દિશ સીરિયન ડેમોક્રેટિક ફોર્સે ૨૦૧૬માં આઇએસઆઇએસને હરાવીને મનબીજ પર નિયંત્રણ મેળવી લીધું હતું. મનબીજમાં એસડીએફની હાર બાદ કુર્દિશ લડવૈયાઓને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુએસ અને તુર્કી વચ્ચે સોમવારે સમજૂતી થઈ હતી. દરમિયાન, તુર્કીના રાષ્ટ્રપતિએ આ જીત પર કહ્યું કે તેઓ માનબીજમાંથી ‘આતંકવાદીઓ’ ના ખાત્માથી ખુશ છે.
તુર્કીના વિદેશ મંત્રી હકન ફિદાને સીરિયામાં એક નવા યુગની આશા વ્યક્ત કરી છે જેમાં વંશીય અને ધાર્મિક જૂથો સર્વસમાવેશક સરકાર હેઠળ શાંતિપૂર્ણ રીતે જીવી શકશે. તેણે ઇસ્લામિક સ્ટેટ અથવા કુર્દિશ લડવૈયાઓને પરિસ્થિતિનો લાભ લેવાની મંજૂરી આપવા સામે ચેતવણી આપતા કહ્યું કે તુર્કી સીરિયાને “આતંકવાદનું અભયારણ્ય” બનતા અટકાવશે.
આ પહેલા ઈઝરાયલના વિદેશ મંત્રીએ કહ્યું હતું કે ઈઝરાયલી દળોએ સીરિયામાં રાસાયણિક હથિયારોના શંકાસ્પદ સ્થળો અને લાંબા અંતરના રોકેટ પર હુમલો કરી નાશ કર્યો છે જેથી તે દુશ્મનોના હાથમાં ન આવી શકે. વિદેશ પ્રધાન ગિદિયોન સારે કહ્યું હતું કે, “અમારું એકમાત્ર હિત ઇઝરાયેલ અને તેના નાગરિકોની સુરક્ષા છે.”
આ પહેલા અમેરિકાએ મધ્ય સીરિયામાં આતંકી સંગઠન આઇએસઆઇએસના ટાર્ગેટ પર ૭૫થી વધુ હવાઈ હુમલા કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, આ હુમલામાં બી-૫૨ બોમ્બર્સ અને એફ-૧૫ ઈ ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં આઇએસઆઇએસના ઘણા લડવૈયાઓ અને તેમના ઠેકાણાઓ નાશ પામ્યા છે.