આજકાલ બાળકો માટે એનો પિતા દુર્લભ થઇ ગયો છે. એનું સર્વસામાન્ય કારણ એ છે કે પિતા ઘરનું અર્થતંત્ર ચલાવવા માટે રઝળપાટ કરી રહ્યો છે. એણે ચાર છેડા ભેગા કરવાના છે. સમસ્યા એ છે કે જેઓ શ્રીમંત છે તેઓને તેમની શ્રીમંતાઈને જાળવવાના એટલા કામ છે કે બાળકોને સમય આપી શકતા નથી અને જેઓ શ્રીમંત નથી, જેમાં બહુ મોટો સમુદાય આવે છે, તેઓ શ્રીમંત થવામાં એટલો બધો સમય આપી રહ્યા છે કે તેઓ પણ તેમના બાળકોથી લગભગ વિખૂટા પડી ગયા જેવી વાત છે. મુંબઈમાં તો જાણીતી હકીકત છે કે અનેક લોકો પપ્પાને માત્ર રવિવારે જોઈ શકે છે. કારણ કે બાળકો સવારે ઊઠે એ પહેલા ટિફિન લઈને ગૃહસ્થ રોજીરોટી માટે નીકળી જાય છે અને જ્યારે પાછા ફરે ત્યારે બાળકો જંપી ગયા હોય છે. દેશમાં રાજસ્થાન, પંજાબ અને બિહારના અનેક લોકો પોતાના બાળકોને અને અન્ય પરિજનોને વતનમાં મૂકીને બીજા રાજ્યોમાં રોજીરોટી રળવા જાય છે.
આ મહાનગરોની વિષમતા છે. એ પેઢી બહુ ભાગ્યશાળી છે જે આવતા પચાસ વર્ષમાં વિદાય લેવાની છે. જેમને તેમના બાળપણમાં સતત માતા-પિતાની છત્રછાયા પ્રાપ્ત થઈ. પછી ભલે સંયુક્તમાં રહ્યા કે વિભક્તમાં. દેશ-દેશાવર ગયા કે વેપારધંધા એમને ક્યાંક લઈ ગયા. પરંતુ શિશુકાળે તો ઘટાટોપ વડલાનું છત્ર એમને મળ્યું. પિતા પણ મળ્યા, દાદા પણ મળ્યા અને કેટલાકને તો વડદાદા પણ મળ્યા ! આવનારા દિવસોમાં આ બધા તો કલ્પનાનો વિષય બની જશે. દીકરા અને દીકરી બંનેને પિતાની જરૂર હોય છે. આપણો દેશ પ્રાચીન કાળથી માતૃપૂજક રહ્યો છે. માતૃ ભક્તિ પણ બહુ છે અને સમાજમાં માતા વિશેની મહિમાવંત ચર્ચા પણ ઘણી છે. માતાઓના યશોગાનથી ગ્રંથાલયો છલકાયેલા છે. એ સાચી સ્નેહ રીતિ છે પરંતુ એમ કરવામાં પિતા સાવ અભરાઈએ ન મૂકાઈ જાય એ પણ સમાજે જોવું રહ્યું.
મા તે મા બીજા બધા વગડાના વા…એમ કહેવાય છે. જૂના જમાનામાં કહેવત હતી કે ઘોડે ચડતો બાપ મરજો… પણ દળણા દળતી મા ન મરજો..! ક્યારેક એવું લાગે છે કે માતૃ મહિમાની અતિશયોક્તિમાં આપણે પિતાનો મહિમા વીસરી ગયા છીએ. અને આજકાલ તો સંતાનો મોટા થયા પછી તેમની માતાના એવા એડવોકેટ બની જાય છે કે પિતાએ ઘરમાં આવ્યા પછી બહુ વિચાર કરીને બોલવાનું રહે છે. નહિતર એકસાથે લાંબુ આરોપનામું ઘડાઈ જાય છે. એવું નથી કે દરેક પિતા મહાન જ હોય. પરંતુ ઘરમાં જ ઘરના મોભી વિરુદ્ધ અદાલતો ભરવી એ એક સંકટ છે. એ ક્લેશ છે અને અધિક કલેશને લઈ આવે છે. જે પરિવારમાં સંતાનોનો ઉછેર સંભાળપૂર્વક થતો હોય અને સંતાનોના દુરુપયોગથી કુટુંબ અને
ગૃહિણી પતિ સામે તોહમતનામું ઘડતા ન હોય તે જ પરિવારોમાં સુખ નિરંતર રહે છે.
ગૃહિણીને એ તો બહુ મોડી ખબર પડે છે કે બાળકો પંખીઓની જેમ ઉડી જવાના છે અને છેવટે તો એક રાજા હતો એક રાણી હતી… એ વાર્તા જ રહેવાની છે. જે બાળકોને પિતાનો પૂરતો સમય પ્રાપ્ત થતો નથી એટલે કે પિતાના હાથે, થોડાક આકરા પાણીએ તેનું ઘડતર થતું નથી તે સંતાનો આ સંસારને પાર કરવામાં બહુ પાછા પડે છે. પિતાનો સ્વભાવ તીખો હોય છે. આકરો હોય કે ઉતાવળો પણ હોય છે. કારણ કે એણે આખા બાહ્ય જગત સાથે કામ પાડવાનું છે. માતા સદાય મૃદુનિ કુસુમાદપિ એટલે કે ફૂલો કરતાંય કોમળ હોય છે. પિતા વજ્રાદપિ કઠોરરાણિ એટલે કે વજ્ર કરતાં પણ કઠોર હોય છે. પિતાનું માર્ગદર્શન જો સંતાનોને પૂરતું મળે તો એમને જિંદગીમાં કોઈ દિવસ તડકો લાગતો નથી. એમના જીવનમાં સંતોષની આભા હોય છે. પરિશ્રમ અને પુરુષાર્થની પ્રચંડ તમન્ના હોય છે. તેઓ કદી થાકતા જ નથી કારણ કે પિતાને એમણે સતત અણથક કામ કરતા જોયા છે.
સંસારના ગમે તેવા ભીષણ ઝંઝાવાતોમાં પણ એને જીવનનું મૂલ્ય સમજાય છે. પિતાનો અર્થ છે કે કાલે સોનાનો સૂરજ ઉગશે. પિતા બહુ શ્રદ્ધાવાન હોય છે અને એમને પોતાના સંતાનોમાં બહુ જ આશા હોય છે. પરંતુ એનું લાગણીતંત્ર અભિવ્યક્તિ વિનાનું હોય છે. એટલે બાળકોનો ઝુકાવ સતત લાગણી વ્યક્ત કરતી માતા તરફ વધારે રહે છે. આવનારા સમયમાં યુવક-યુવતીઓનો એક એવો વિરાટ કાફલો સમાજમાં જોવા મળશે જે એની માતાના હાથે બહુ કોમળતાથી ઘડાયેલો હશે. એમને માટે જિંદગીમાં વારંવાર પ્રાપ્ત થતી નિષ્ફળતાઓ, વિશ્વાસઘાત, દગાબાજી અને ઘોર આર્થિક નુકસાન સામે ટકી રહેવાનું મુશ્કેલ બનશે. કારણ કે સ્ત્રી સ્વભાવની કોમળતા એમના વ્યક્તિત્વનું પ્રધાન લક્ષણ હશે અને જે સંતાનો તેના પિતાની સીધી નજરમાં મોટા થયા હશે અને પિતાએ પાંચ કામ પડતા મૂકીને સંતાનો સામે સદાય કડવા અને આકરા થવાનું વલણ હશે તે સંતાનો આ સંસારને હસતા રમતા પાર કરી જશે.
કેટલાક સંતાનો તેમના પિતા સાથે અહંકારને ટકરાવી બેસે છે. પિતા અને પુત્ર વચ્ચે અહંકારની ટક્કર થવી સ્વાભાવિક અને કુદરતી છે. પરંતુ એમાં પોતાના પુત્રના વ્યક્તિત્વમાં જવાબદાર મનુષ્ય તરીકે વિકસતા જતા સકારાત્મક સ્વાભિમાનને જે પિતા પુષ્ટિ ન આપે તે તેની મૂર્ખતા છે. પુત્ર જ્યારે ચડતી કળાનો ચંદ્ર હોય ત્યારે એ ચંદ્રની બંને ધાર તીક્ષ્ણ હોય છે અને દર મહિને આકાશમાં અજવાળિયાના પખવાડિયા દરમિયાન કુદરત આ બોધ આપણને આપે છે. વિકસતા ચંદ્રની બંને તીક્ષ્ણ ધાર ક્યારેક પોતાને વાગે પણ ખરી. પરંતુ એવા પ્રસંગે ઘરમાં ધોધની જેમ ઉપદેશ વહેતા કરવાને બદલે દીકરાની વાતને એક નાજુક વળાંક આપવાની કળા ઘરના મોભીમાં હોવી જોઈએ. કારણ કે સંતાનો આખરે તો માતા-પિતાનું જ એક સંયુક્ત વિકસિત સ્વરૂપ છે. એનો પ્રતિક્ષણ આનંદ જ હોવો જોઈએ. એમાં કદાચ જમાના પ્રમાણેનો વિચારભેદ હોઈ શકે છે, પરંતુ મનભેદ ન હોવો જોઈએ. ઉદ્યોગગૃહોમાં અને અનેક પરિવારોમાં આપણે પિતા-પુત્ર વચ્ચે નું મનોહર ટ્યુનિંગ જોયેલું છે તો એની સામે પિતા અને પુત્ર વચ્ચે ક્યાંક ક્યાંક અભિમાન પ્રવેશી ગયું હોવાનું પણ જોવા મળે છે. નવયુવાન પુત્રની જિંદગી હવે સ્પર્ધાત્મક બની ગઈ છે. એને વારંવાર નિષ્ફળતા પછી સફળતા મળવાની હોય છે. છેલ્લી સફળતા સુધી એનો આત્મવિશ્વાસ ટકાવી રાખવો એ પરિવારની જવાબદારી છે. કેટલાક પિતા મહોદયો તો એમ કહેવા તૈયાર જ હોય છે કે તમારી જેવા રખડુ કદી સરકારી પરીક્ષામાં પાસ થાય તો આ સરકાર ચાલે કેમની હેં ? સંતાનોને નિરુત્સાહ કરવાનું પાપ પિતાએ ન કરવું. આપી શકાય તો પ્રોત્સાહન આપવું નહિતર ચૂપ રહેવું. સરકારી નોકરીઓમાં ઉમેદવારો ત્રીજા કે ચોથા પ્રયત્ને પણ થાકતા નથી ને છેવટે પાસ થઈને જ રહે છે. યુવાનોના આત્મવિશ્વાસમાં કંઈ ઘટતું નથી. પરંતુ એને બેસાડી રાખવા ને પછાડવા ચાહતા લોકોની એક ફોઝ આપણા સમાજમાં અસ્તિત્વમાં આવેલી છે. આવા સંયોગોમાં એક જ અડીખમ – અવિચળ એક પિતા જ એવા છે જે સતત કહે છે કે ચિંતા ન કરતો બેટા, હું બેઠો છું ને !
પુત્રની કમાણીનો પહેલો રૂપિયો જ્યારે પિતાના હાથમાં આવે છે ત્યારે એના આનંદનો કોઈ પાર રહેતો નથી. દરેક પુત્રની ફરજ છે કે ઓછું કમાતા હોઈએ તો ઓછું, મુઠીમાંથી ચપટીક તો ચપટીક પણ બાપની હથેળીમાં કંકુચોખાની જેમ મૂકતા રહેવું. અવસ્થાએ પોતાના મોભારે નજર નાંખીને એને કંઈ ઘટ ન પડવા દે ઈ તો દેવ જેવા દીકરા કહેવાય. ભલે ને કળજુગ હોય તોય દ્વારિકાધીશને મંદિરિયે અને સોમનાથના કિનારે આજેય અનેક વ્હીલચેર જોવા મળે છે ને દરરોજ જોવા મળે છે એ હજુ આ વસુંધરાના વહેણ સૂકાયા નથી એની ખાતરી આપે છે અને માબાપને ઘેર મૂકીને ભગવાન પાસે દોડ્‌યા આવતા અન્ય દીકરાઓને બોધ આપે છે.