ગુજરાતમાં ૩૦ વર્ષથી ભાજપનું શાસન છે. પરંતુ દબદબામાં આંકલાવની એપીએમસીની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો. સરવાળે એવું બન્યું કે, કોંગ્રેસે એપીએમસીમાં પોતાનો દબદબો જાળવી રાખીને જંગી જીત મેળવી છે.
આંકલાવ એપીએમસીની ચૂંટણીમાં કોંગ્રેસ પોતાની સત્તા જાળવી રાખવા સફળ રહ્યું છે.એપીએમસીમાં ખેડૂત વિભાગની ૧૦ બેઠક માટે ચૂંટણી યોજાવાની હતી. APMC ની ચૂંટણીમાં કોંગ્રેસ પ્રેરિત પેનલના ૧૨ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. ગત ૨૭ માર્ચના રોજ ઉમેદવારી પત્ર ભરવાની આખરી તારીખ હતી. તારીખ ૨૮ માર્ચના રોજ ફોર્મ ચકાસણીમાં ૧૨ ફોર્મ મંજુર થયા હતા. આજે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે બે ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા. ત્યારે અંતે ઉમેદવારી પરત ખેંચતા કોંગ્રેસ પ્રેરિત ૧૦ ઉમેદવારો બિનહરીફ વિજેતા જાહેર થયા છે. એપીએમસીની ચૂંટણીમાં ભાજપને એક પણ ઉમેદવાર ના મળ્યો તેની ભારોભાર ચર્ચા થઈ રહી છે. આમ, કોંગ્રેસે આંકલાવ APMC માં પોતાનો દબદબો જાળવી રાખ્યો.
વિરોધ પક્ષ કોંગ્રેસના નેતા અમીત ચાવડાએ આ વિજયને વધાવ્યો હતો. અમિત ચાવડાએ ટ્વીટ કરતા કહ્યું કે, સમગ્ર વિસ્તારના ખેડૂતોની મહત્વની સંસ્થા આંકલાવ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની ચૂંટણીમાં કોંગ્રેસના તમામ ઉમેદવારોને બિનહરીફ ચૂંટાવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. અનેક કાવાદાવા, દબાણો અને લાલચો સામે મક્કમતા સાથે પ્રામાણિક અને પારદર્શી વહીવટને ધ્યાનમાં રાખીને સમગ્ર તાલુકાના રાજકીય, સામાજિક અને સહકારી આગેવાનો તથા તમામ મતદારો દ્વારા કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો તે બદલ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. બિન હરીફ વિજેતા ઉમેદવારોનું આંકલાવમાં વિજય સરઘસ નીકળ્યું હતું.