અર્જુન તેને તાકી રહ્યો. એકીટશે.
તેના હૈયામાંથી ફળફળતો નિઃશ્વાસ ઉઠયો. એ સંવેદનાને અનિતાએ પારખી. તેણે ભાઇનો હાથ હાથમાં લીધો અને તેની હથેળી ઉપર પોતાની હથેળી મૂકી. વાતો સાંભળીને અનિતાને પણ જરૂર દુઃખ લાગ્યું હતું. એ પણ રવિનાને તાકી રહી. અર્જુને બહેન અનિતાની હથેળીને જાસથી દબાવી. આ વાતથી બેખબર રવિનાની આંખો ફરી અર્જુન ઉપર જ ચોંટેલી હતી. ધીરે ધીરે તેની હથેળી ઊંચકાઇ અને ફર્શ ઉપર હળવે હળવે ફરવા લાગી: જાણે કશુંક શોધતી હોય એમ ! જીમ્મી તેની આ ક્રિયાને પામવા મથી રહ્યો. કોટડીમાં સૂનકાર હતો અને ખામોશીનો દરિયો ઘૂઘવતો હતો. એ ઘૂઘવાટ જાણે રવિનાની ભીતર ઘૂઘવતા પશ્ચાતાપના દર્દના અને કાળજામાંથી ઉઠેલી એક ટીશના ઘૂઘવતા દરિયાને હોંકારો આપતો હતો. દર્દ, ખામોશી, એકલતા અને સ્તબ્ધતા પરસ્પર એકબીજામાં જાણે ભળી ગયા હતા. “રવિ…ના” અર્જુને સાદ દીધો કે રવિનાએ ચમકીને એ તરફ જાયું. તેની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ચેતન આવ્યું. જાણે, બૂઝાઇ રહેલી વાટમાં દીવેલ પૂરાયું. “રવિના, કેમ છો તું ?” અનિતાએ પૂછયું કે, રવિનાની આંખોમાં આંસુ ધસી આવ્યા. અંદરથી જાણે નવાણ ફૂટયા પછી તો ! અને એ આંસુ હવે રેલો બનીને વહી નીકળ્યા. “રવિના, અહીં આવ.” અર્જુને કહ્યું. અર્જુનના વહાલથી બોલાયેલા શબ્દો રવિનાને સ્પર્શી ગયા. તેનો ચહેરો ગુના સબબ કરેલા પોતાના કર્મોથી ભીતરથી ઉમટી આવેલી શરમથી લીંપાઇ ગયો અને પશ્ચાતાપના ભાવ ચહેરા ઉપર આવી ગયા. તેણે હાથ જાડયા: “મને માફ કરી દો સાહેબ.. મને માફ કરી દેજા.” અને તેનો ચહેરો રડમસ બની ગયો “તું તો એક પ્યાદું છો રવિના.” આખરે અર્જુને કહ્યું:“તને તો હાથો બનાવી, પણ દુઃખ એ વાતનું થયું કે તારી જેવી સીધી સાદી યુવાન છોકરી અવળા રસ્તે ચડી ગઇ ? તને ખબર છે કે તે શું શું ખોયું છે તારી જિંદગીમાંથી ? અમને તારા ફેમિલી બેક ગ્રાઉન્ડની ય ખબર પડી ગઇ છે. તારા ભોળા મા-બાપની તું એકની એક વહાલી, લાડકી દીકરી છો, તારા સિવાય કુટુંબમાં તારૂં કોઇ ભાઇ-બહેન નથી. તું તારા માવતરનો એક માત્ર આધાર છો પણ તારી આ બધી હરકતો અને તારા અવળા રસ્તે ચડી ગયેલા પગલાથી તો તારા મા-બાપનો સહારો ઝૂંટવાઇ ગયો એ તો એમને હવે જા ખબર પડશે કે એમની દીકરીના કરતૂતો કેવા કાળાં છે તો એમને કેટલું દુઃખ થશે એની કલ્પના કરી હતી ? “હું હતભાગી છું. હું ભાન ભૂલી ગઇ…” એ ઊભી થઇ અને સળિયા સાથે માથું પછાડવા લાગી: “મને મારા મા-બાપ કયારેય માફ નહીં કરે સાહેબ.” “ના… રવિના એવું નથી. માવતર કમાવતર કયારેય થાય જ નહીં. પણ તું જા આ રસ્તેથી પાછી વળી જાય તો…” અર્જુને બહારથી અંદર હાથ લંબાવીને તેના લંબગોળ ચહેરાને પોતાની હથેળીમાં ઝીલ્યો: “અમારી દ્રષ્ટિએ તો તું નિર્દોષ છો પણ કાનૂનની આંખોથી નહીં, તારા ગુનાને કારણે મજબુત સજા મળે તેની કરતા પણ ઓછી સજા મળે એ માટે મેં તો અંગત રીતે વિનંતી કરી છે. તારી કહાની જાણ્યા પછી, પણ પ્રોમિસ આપ કે આ રસ્તેથી હવે પાછળ વળી જઇશ..” “હા….હા….હા… મને દગડુએ ફસાવી દીધી. શરૂઆતમાં અંધારી રાત્રે રોડ ઉપર આવતા જતા રાહદારીઓ પાસે લિફટ માગી ઇજ્જત લૂંટી લેવાનો ખોટો આરોપ નાખી રોડ રોબરી કરી કારણ કે મને પૈસા મળતા જે મારા બાપુને આપતી પણ મને ખબર નહોતી પડતી કે આ તો કાળા કામ છે અને માનવતાની વિરૂધ્ધના છે પણ રૂપિયાના લોભમાં એ કાળી કમાણીના કળણમાં હું ખૂંપતી જ રહી. બસ, કોઇની સાથે બનાવટી પ્રેમ કર્યો અને તેને ખંખેર્યા, કોઇની સાથે લૂંટફાટ કરી, કોઇની ચીજવસ્તુ ચોરી તો કોઇને ડરાવ્યા. બસ, આમને આમ જિંદગી ક્યાંની કયાં ત્રિભેટે જઇ ચડી?!! એણે અર્જુનના હાથ ઉપર પોતાના હાથ મૂકી દીધા અને રડતી રડતી કહી રહી:“ પણ તમને મેં મારી જિંદગીના પ્રથમ પુરૂષ માન્યા. પહેલીવાર મારૂં હૈયું તમારી પાસે હારી ગયું. હા, તમને મેં જ ફસાવ્યા પછી મને પારાવાર પસ્તાવો થયો પણ પછી બધું જ મારી કાબુ બહાર જતુ રહ્યું હતું. હું ચાહતી હોવા છતાં તમને એમાંથી ઉગારી શકું તેમ નહોતી. હું મજબુર હતી. મારી લાચારીનો ફાયદો દગડુએ બહુ ઉઠાવ્યો.” “ખેર, છોડ….. હવે પોલીસના ચોપડે તારૂ નામ ચડયું છે પણ ભગવાનની ઇચ્છા હશે તો તું બહાર નીકળી જઇશ. અમારી ઇચ્છા તો એવી જ છે કે પેલા બધાને ભલે જનમટીપ મળે પણ તું છૂટી જા કારણ કે ઘરે તારા વૃધ્ધ મા-બાપ તારી રાહ જુએ છે.” જવાબમાં રવિના, અર્જુનના બન્ને હાથ પોતાના હાથમાં લઇને રડી પડી !!!
—–
અંધારી રાત હતી. સૌ કોઇ નિંદ્રાદેવીના શરણે હતા પણ… પણ શર્માના શેતાની મગજને જંપ નહોતો. દગડુ અને ટકલુને તો શું ફરક પડવાનો હતો ? આજે આ જેલમાં… તો કાલે બીજી જેલમાં પણ આજ તે પણ શર્માની જેમ અજંપ હતો. શર્માએ દાંત ભીંસ્યા: “સાલ્લી રવિનાએ જ બધી બાજી બગાડી. નહીંતર આ દા’ડા જાવા ન પડેત.” “એના જવાબદાર એકમાત્ર તમે છો.” ભડભડતા કાળજા ઉપર તેલ રેડયું: “તમે તો ત્યાં જ હતા. પળેપળની ખબર રાખવાવાળા અને તમે જ ઉઠીને જાગતા જીલાઇ ગયા ?” “સાલ્લીએ કંઇ ખબર જ ન પડવા દીધી. પોલીસ સાથે ભળી ગઇ હતી અને પેલા અર્જુન સાથે મળી ગઇ હતી. છેક છેલ્લે સુધી ગંધ ન આવવા દીધી પણ આપણને જેલ ભેગા કર્યા છે એને હું મૂકીશ તો નહીં જ.” “એ જુબાની આપે એ પહેલા જ એનો ફટાકડો ફૂટી જવો જાઇએ.” “હા, એમ જ થશે.” એ રાત્રે શર્મા અને દગડુ એક નિર્ણય કરીને સૂતા પણ જપ્યા નહીં.
—-
ચાર્જશીટ તૈયાર થઇ ગયું. કેસ ચાલુ થયો. આજે મહત્વની તારીખ હતી. આજે રવિના ન્યાયાધીશ સમક્ષ સ્ટેટમેન્ટ આપવાની હતી. અત્યાર સુધી થયેલી રોબરી, રોડ ઉપર લૂંટફાટ અને બ્લેકટ મેઇલીંગ કરી પૈસા પડાવનારી ટોળકી પકડાઇ ગઇ છે જાણીને રોડ ઉપર ભીડ જમા થઇ ગઇ હતી. આખરે અપરાધીઓને લઇને પોલીસવાન અદાલતના કમ્પાઉન્ડમાં પહોંચી. દગડુ, એભલ, સતિયો, કાળિયો, ટકલુ, ભોપો અને નાગાજણને એક વાનમાંથી ઉતાર્યા. છેલ્લે ઊતાર્યો શર્માને. સાથે જ આવેલી જીપમાંથી હથકડી બંધ રવિનાને બે મહિલા કોન્સ્ટેબલે ઉતારી. બે દાદરા ચડીને અદાલત ઉપરના માળે બેસતી હતી. આ તરફ એક સાથે બે કાર આવી એમાં અર્જુન, જીમ્મી, અનિતા વિ. હતા.
—-
રવિનાને કઠેડામાં બોલાવી કે સન્નાટો છવાઇ ગયો. ન્યાયાધિશે રવિનાને પૂછયું: “બોલો તમારા બચાવમાં તમારે શું કહેવાનું છે ? ” જવાબમાં રવિના એક પળ શર્મા સામે તાકી રહી. પછી તેની નજર અર્જુન તરફ ગઇ. ગળુ ખોંખારીને એણે કહેવા માંડયું: “મારી જિંદગીને બદતર અને ગુનાખોરીને રવાડે ચડાવનાર માણસ આ બન્ને છે…” તેણે દગડુ અને ટકલુ સામે આંગળી ચિંધી અને પછી તેની નજર ફરતી ફરતી શર્મા સામે સ્થિર થઇ અને હોઠોમાંથી શબ્દો: “ પણ સમાજમાં સફેદ કપડા પહેરીને ફરનારા શેતાનની મને ખબર નહોતી. પણ રૂપરામ શર્માનો ગેમ પ્લાન જાઇને તેમની શેતાનિયત જાઇને હું માનવા લાગી કે દુનિયામાં આવા પણ ઠગ અને દગાબાજ હોય છે. સાહેબ ! હા, મને મોકલવામાં આવી હતી અર્જુનસરના ઘરે. એક યોજના લઇને. પણ તેમની મા મને મારી સગી જનેતા દેખાઇ અને મને થયું કે હું આ શું કરી રહી છું અને અર્જુન સર સાથે મારાથી જે થયુ એ પ્રિ-પ્લાન નહોતો પણ મારો પ્રમ હતો અને એમાં મારી સંમતિ હતી. હું પુખ્ત છું, સમજુ છું એટલે અર્જુન સરે મારા ઉપર બળાત્કાર નથી કર્યો. પણ મારી મરજી હતી. યુવાનીને કારણે વશ થઇ ગઈ. પણ એમની ઉપર બળાત્કારનો આરોપ લાગાડવા માટે રૂપરામ શર્માએ મારી ઉપર ખૂબ પ્રેશર કર્યુ, અમારો વીડિયો વાયરલ કરીને ભગવાન જેવા માણસ પાસેથી ખૂબ પૈસા લૂંટયા. આ બધી જ રમત રૂપરામ શર્મા, દગડુ અને શર્માના ભત્રીજા ટકલુ ઉર્ફે ડેનિશ શર્માની છે. મારી તો મજબૂરી હતી મારા વૃધ્ધ મા-બાપનું ભરણપોષણ કરવાની અને આ લોકોએ મને તેમની ચૂંગાલમાં લઇને મારા થકી ઘણાં ખોટા કામ કરાવ્યા જેનો મને પસ્તાવો છે. પણ મેં કોઇનો જીવ નથી લીધો… પણ હું હવે તારો જીવ લઇ લેવાનો છું. ” ત્યાં રહ્યે રહ્યે શર્માએ દાંત ભીસ્યા… આગળની સુનાવણી માટે આગામી તારીખ આપી કોર્ટ બરખાસ્ત થઇ અને તમામને લઇને પોલીસ જેવી નીચે ઉતરતી હતી કે શર્માએ ઇ. પરિહારની કમરે રહેલી લોડેડ રિવોલ્વર ખેંચી લીધી. ઇ. પરિહાર, પાટીલ કશું સમજે એ પહેલા શર્માએ ધડાધડ ફાયરિંગ રવિના ઉપર કરી દીધું અને બીજું ફાયરિંગ અર્જુન ઉપર કર્યું પણ એ પહેલા રવિના લોહી નિંગળતી હાલતે ઉછળીને અર્જુન આડે આવીને ઉભી રહી ગઇ એટલે બીજી ગોળી રવિનાના પેટને ચીરતી સામેની ભીતમાં ઘૂસી ગઇ. એ જ ભેળા ઇન્દ્રજિતે એક ફેંટ શર્માને ઝીંકી દીધી અને તેના હાથમાંથી રિવોલ્વર દૂર જઇ પડી. ક્ષણમાં ન બનવાનું બની ગયું. રવિના લોહીલુહાણ હાલતમાં ત્યાંને ત્યાં જ ઢળી પડી. તેનું માથુ અર્જુને પોતાના ખોળામાં લઇ લીધું. તરતને તરત એમ્બ્યુલન્સ બોલાવી અને સરકારી હોસ્પિટલમાં દાખલ કરી. એક ગોળી તો ખભા અને પીઠના ફૂરચા ઉડાડતી ગઇ હતી, પણ બીજી ગોળીએ પેટમાં ખૂબ ઇજા પહોંચાડી હતી… અને ખૂબ લોહી વહી ગયું હતું. સતત આઠ દિવસ જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી રહી. આઠમા દિવસની સાંજે… ઉઘાડ-બંધ થતી આંખોએ તેણે ત્રણેયને બોલાવ્યા. અર્જુન, અનિતા અને જીમ્મી ત્રણેય અંદર આવ્યા. રવિનાનાં બે હાથ ઉંચા થયા. એક હાથે જીમ્મીનો અને બીજા હાથે અનિતાનો હાથ હાથમાં લઇ એકબીજામાં તેણે ભેળવ્યા અને બન્નેની હથેળીઓ મળી. અર્જુન આ દ્રશ્ય જાતો રહ્યો. રવિનાએ બે હાથ જાડયા ક્ષણભર…અર્જુનને, આ બન્નેની તરફ આંખોથી ઇશારો કર્યો અને પછી ડોક ઢાળી દીધી. જાણે કહેતી હોય કે આ બન્ને જુવાન હૈયાને અલગ ન કરજા…” ડોકટર આવ્યા. તેને તપાસી અર્જુનને કહ્યું: “સર, શી ઇઝ નો મોર… નર્સે આવીને સફેદ ચાદર ઓઢાડી દીધી. આંસુનું એક ટીપું અર્જુનની આંખમાંથી નીકળીને ગાલ ઉપર જાણે થીજી ગયું… (સમાપ્ત)