આ વખતે નવા આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં ધરખમ ફેરફારો જોવા મળી રહ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની છેલ્લી મેચમાં ભારતીય ટીમના સ્ટાર ખેલાડીઓના ખરાબ પ્રદર્શન બાદ આઇસીસી રેન્કિંગમાં મોટા ખેલાડીઓનો નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે હવે ટોપ-૧૦માં ટીમ ઇન્ડિયાનો એક જ ખેલાડી બચ્યો છે, બાકીના બધાને મોટા માર્જિન સાથે બહાર જવું પડ્યું છે.
આ વખતે આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલી નવી રેન્કિંગમાં ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ પ્રથમ ક્રમે છે. તેનું રેટિંગ ૯૦૩ થઈ ગયું છે. ન્યુઝીલેન્ડનો કેન વિલિયમસન ૮૧૩ રેટિંગ સાથે બીજા સ્થાને યથાવત છે. આ દરમિયાન સારી વાત એ છે કે ભારતીય ઓપનર યશસ્વી જયસ્વાલ હવે એક સ્થાનના કૂદકા સાથે ત્રીજા નંબરે પહોંચવામાં સફળ રહ્યો છે. તેનું રેટિંગ હવે ૭૯૦ છે.
આ દરમિયાન ઈંગ્લેન્ડના હેરી બ્રુકે એક સ્થાન ગુમાવ્યું છે. તે હવે ૭૭૮ રેટિંગ સાથે ચોથા નંબર પર પહોંચી ગયો છે. ઉસ્માન ખ્વાજાએ પણ રમ્યા વિના એક સ્થાન મેળવ્યું છે. તેઓ હવે સાતમા સ્થાનેથી છઠ્ઠા સ્થાને પહોંચી ગયા છે. સૌથી મોટી વાત એ છે કે પાકિસ્તાનના ઉભરતા બેટ્સમેન સઈદ શકીલે એક સાથે ૨૦ સ્થાનની છલાંગ લગાવી છે. તેનું રેટિંગ સીધું ૭૨૪ થઈ ગયું છે. ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રને પણ આઠ સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે ૭૧૧ રેટિંગ સાથે ૧૦મા સ્થાને પહોંચી ગયો છે.
આ દરમિયાન એક મોટી ઉથલપાથલ થઈ છે કે ભારતીય ટીમનો સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંત ૫ સ્થાન નીચે આવી ગયો છે. હવે તે ટોપ ૧૦માંથી બહાર નીકળીને સીધો ૧૧મા નંબર પર પહોંચી ગયો છે. આ તેમના માટે મોટો આંચકો છે. વિરાટ કોહલીએ પણ એક જ ઝાટકે ૬ સ્થાન ગુમાવ્યા છે. તે હવે ૬૮૮ રેટિંગ સાથે ૧૪માં નંબર પર પહોંચી ગયો છે. તેને ટોપ ૧૦માંથી પણ બહાર થવું પડ્યું હતું.