ભારતે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫નો ખિતાબ જીત્યો. ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્માએ ન્યૂઝીલેન્ડ સામે શાનદાર અડધી સદી ફટકારીને ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવ્યું. ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં શાનદાર પ્રદર્શન બદલ ભારતીય કેપ્ટનને હવે મોટું ઈનામ મળ્યું છે. રોહિત શર્માએ નવીનતમ આઇસીસી રેન્કિંગમાં જબરદસ્ત સુધારો કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫ ના ટાઇટલ મેચમાં ૭૬ રનની શાનદાર ઇનિંગ રમનાર ભારતીય કેપ્ટન રોહિત શર્માએ નવીનતમ આઇસીસી વનડે રેન્કિંગમાં મોટો ઉછાળો નોંધાવ્યો છે. રોહિત બે સ્થાન આગળ વધીને ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રોહિતે ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત માટે બીજા ક્રમના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી તરીકે વિરાટ કોહલી અને હેનરિક ક્લાસેનને પણ પાછળ છોડી દીધા છે. રોહિતનું રેટિંગ વધીને ૭૫૬ થયું છે. ક્લાસેન એક સ્થાન નીચે આવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે જ્યારે વિરાટ પાંચમા સ્થાને સરકી ગયો છે.
ભારતના યુવા ઓપનર શુભમન ગિલ ટોચના સ્થાને છે. તેમનું રેટિંગ ૭૮૪ છે. પાકિસ્તાનનો સ્ટાર બેટ્સમેન બાબર આઝમ બીજા નંબર પર અટવાઈ ગયો છે. ન્યૂઝીલેન્ડના ડેરિલ મિશેલને એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે ૭૨૧ રેટિંગ પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયો છે. આયર્લેન્ડનો હેરી ટેક્ટર એક સ્થાન નીચે ઉતરીને ૭મા ક્રમે આવી ગયો છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર શ્રેયસ ઐયર ૮મા સ્થાને યથાવત છે. શ્રીલંકાના ચરિથ અસલંકા ૬૯૪ ના રેટિંગ સાથે નવમા ક્રમે છે. અફઘાનિસ્તાનનો ઇબ્રાહિમ ઝદરાન ૬૭૬ રેટિંગ પોઈન્ટ સાથે ૧૦મા ક્રમે છે.
ભારતના ૪ બેટ્સમેન ટોપ-૧૦ બેટ્સમેન રેન્કિંગમાં સામેલ છે. ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં સૌથી વધુ રન બનાવનાર ન્યુઝીલેન્ડના ડેશિંગ બેટ્સમેન રચિન રવિન્દ્રએ ૧૪ સ્થાનનો મોટો કૂદકો માર્યો છે. રચિન હવે ૧૪મા સ્થાને પહોંચી ગયો છે. જાકે, ભારતના કેએલ રાહુલ એક સ્થાન નીચે ઉતરીને ૧૬મા સ્થાને આવી ગયા છે.