આઇફોન ૧૬ સિરીઝ તાજેતરમાં ભારત સહિત વૈશ્વીક બજારોમાં લોન્ચ કરવામાં આવી છે. એપલે આ સીરીઝને ભારતમાં એસેમ્બલ કરી છે અને વિશ્વના ઘણા દેશોમાં નિકાસ કરી છે. કંપનીએ ભારતમાં તેના ઉત્પાદન એકમોની સંખ્યામાં વધારો કર્યો છે. ફોક્સકોન ઘણા વર્ષોથી ભારતમાં એપલના આઇફોન એસેમ્બલ કરી રહી છે. તે જ સમયે, પેગાટ્રોન કોર્પોરેશન અને ટાટા ઇલેક્ટ્રોનિક્સે પણ એપલના આઇફોનની એસેમ્બલી શરૂ કરી
દીધી છે.
યુએસ-ચીન ટ્રેડ વોરના કારણે એપલ ચીનની બહાર પોતાના મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપવા પર ભાર આપી રહી છે જેથી ચીન પર તેની નિર્ભરતા ઓછી કરી શકાય.એપલ ભારતમાં ચીનની બહાર મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી યુનિટ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. આઈફોનની નિકાસના મામલે કંપનીએ મોટો રેકોર્ડ બનાવ્યો છે. એપલે ભારતમાંથી લગભગ ૬ બિલિયન ડોલરના આઇફોનની નિકાસ કરી છે. કંપની ભારતમાં બનેલા ૧૦ બિલિયન મૂલ્યના આઇફોનની નિકાસ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
સરકારની મેક ઇન ઇન્ડિયા નીતિ અને સ્થાનિક સબસિડી, કુશળ કર્મચારીઓ સહિત દેશની ટેક્નોલોજી ક્ષમતાઓને કારણે એપલ ભારત પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. ભારતમાં આઈફોનનું ઉત્પાદન ચેન્નઈની બહારના વિસ્તારમાં થઈ રહ્યું છે. હાલમાં ફોક્સકોન ભારતમાં આઇફોનની સૌથી મોટી સપ્લાયર છે. તે જ સમયે, ટાટા ગ્રૂપના ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદન એકમે એપ્રિલથી સપ્ટેમ્બર દરમિયાન કર્ણાટકમાં ૧.૭ બિલિયનના આઇફોનની નિકાસ કરી છે.
આઇફોન ૧૬ના લોચિંગ બાદ કેન્દ્રીય મંત્રી અશ્વીની વૈષ્ણવે પોતાની ઓફિશિયલ એક્સ પોસ્ટમાં કહ્યું કે તેને ભારતમાં બનાવવામાં આવ્યું છે, જે કેન્દ્ર સરકારના મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને કારણે શક્ય બન્યું છે. ભારતમાં આઇફોનના વિસ્તરણના કારણે અહીં રોજગારીની તકો પણ વધી રહી છે. હાલમાં, એપલ ભારતમાં આઇફોન, એસઇ,આઇફોન ૧૧,આઇફોન ૧૨,આઇફોન ૧૩,આઇફોન ૧૪, આઇફોન ૧૫ અને આઇફોન ૧૬ મોડલનું એસેમ્બલ કરી રહ્યું છે.